દર વર્ષે આ હિદુ યુવક કરે છે તાજીયાનું આયોજન
સુરત, ચેતન કહાર રામેશ્વરમ અને તિરુપતિની ૧૦ દિવસની તીર્થયાત્રા પરથી હાલમાં જ પરત ફર્યો છે અને હવે તે શહેરના રાંદેર વિસ્તારમાં સતત બીજા વર્ષે તાજીયા જુલુસનું આયોજન કરવા માટેની તૈયારી કરી રહ્યો છે. ૩૬ વર્ષીય ચેતને ખુલાસો કર્યો હતો કે, આ સમર્પણ એ કોઈ પણ ધાર્મિક દબાણ કરતાં વધારે ભાવનાત્મક જાેડાણના કારણે છે.
તેણે કહ્યું હતું કે, તે ક્યારેય પણ મહોરમ અથવા તાજીયાને ચૂક્યો નથી, કારણ કે તેને ૨૫ વર્ષ જૂની પરંપરાને આગળ વધારવાની જવાબદારી આપવામાં આવી છે. ચેતનને પોતાનો દીકરો માનતા અને પતંગના ઉત્પાદક રઈસ સૈયદે તેને તાજીયાની જવાબદારી સોંપી હતી. રિક્ષા થકી ગુજરાન ચલાવતો ચેતન મહિને ઓછી કમાણી થતી હોવા થતાં રાંદેરમાં તાજીયા સ્થાપિત કરવા માટે આશરે ૭ હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. ચેતન રઈસ સૈયદના પતંગના કારનાખામાં પહેલા પતંગ બનાવવાનું કામ કરતો હતો.
‘હું ત્યારે બાળક હતો અને સૈયદ મને દીકરાની જેમ પ્રેમ કરતાં હતા. હું તેમના પરિવારનો સભ્ય બની ગયો અને તેઓ પણ મારા માટે એક પરિવાર સમાન છે’, તેમ ચેતને કહ્યું હતું. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, તે તેના મિત્રો સાથે તાજીયા બનાવે છે, જ્યારે તેનો પરિવાર પણ આ ઉત્સવમાં સામેલ થાય છે કારણ કે તેઓ બધા એક જ વિસ્તારમાં મૈત્રીપૂર્ણ રીતે રહે છે. રઈસ સૈયદે ૨૫ કરતાં વધુ વર્ષ સુધી તાજીયાનું આયોજન કર્યું હતું અને ચેતન કહારે હંમેશા તે બનાવવામાં તેમની મદદ કરી હતી.
‘બે વર્ષ પહેલા તેમના નિધન પહેલા સૈયદે મને તાજીયાનું આયોજન કરવાની પરંપરાને યથાવત્ રાખવા માટે કહ્યું હતું. તેથી, મેં પણ સંપૂર્ણ સમર્પણ સાથે આયોજિત કરવાનું શરૂ કર્યું’, તેમ કહારે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું. સૈયદની સૂચનાને અનુસરીને, કહાર દર વર્ષે ૧૦ દિવસ માટે તાજીયાનું આયોજન કરે છે અને બાદમાં ૧૦મા દિવસે પરંપરા મુજબ તેનું વિસર્જન કરે છે.
‘મારા સંબંધીઓ અને હું મારા પતિને તાજીયા બનાવવામાં મદદ કરીએ છીએ’, તેમ કહારની પત્ની બિનિતાએ કહ્યું હતું. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, વિસર્જન સિવાય તેઓ જુલૂસ કાઢે છે અને અન્ય તાજીયાઓ પર જઈને દુઆ પણ કરે છે. ‘કહારનું આ સમર્પિત કોમી એકતાનું એક આદર્શ ઉદાહરણ છે’, તેમ અનીસ શાહે કહ્યું હતું.SS1MS