Western Times News

Gujarati News

Ahmedabad:આ કંપનીના ભૂતપૂર્વ કર્મચારીએ ડેટા ચોરી 5 કરોડની છેતરપિંડી કરી

 ભૂતપૂર્વ કર્મચારી અને તેના પુત્રે ઓફિસની સિસ્ટમમાંથી કંપનીના ડેટા ચોરીને ૫ કરોડની છેતરપિંડી

(એજન્સી)અમદાવાદ, ઓફિસમાં દાયકાઓથી કામ કરતા વિશ્વાસુ કર્મચારીઓ કેટલીક વખત કેટલી મોટી ગરબડ કરી શકે છે તેનો પરચો અમદાવાદમાં એક ખાનગી કંપનીને મળી ગયો છે.

અમદાવાદમાં જાણીતી પાઈપ ઉત્પાદક કંપની Astral Pipesના કર્મચારીએ ઓફિસમાંથી તમામ મહત્ત્વના ડેટાની ચોરી કરીને કંપનીને પાંચ કરોડ રૂપિયાનો ધુંબો માર્યો છે. પાઈપ ઉત્પાદક કંપનીએ બોડકદેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે તેના એક ભૂતપૂર્વ કર્મચારી અને તેના પુત્રે ઓફિસની સિસ્ટમમાંથી ડેટા ચોર્યો છે. Ex-employee of Astral Pipes commits 5 crore fraud in data theft

તેની મદદથી તેણે કંપનીના ક્લાયન્ટ સાથે અલગથી બિઝનેસ કરીને કંપનીને પાંચ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. એસ્ટ્રલ પાઈપ્સના એચઆરજનરલ મેનેજર વિરલ મંકોડીએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે તેની કંપની પ્લમ્બિંગ મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રીયલ પાઈપ્સ, ડ્રેનેજ અને વાલ્વ સિસ્ટમનું ઉત્પાદન કરે છે.

કંપની બોડકદેવ એરિયામાં રાજપથ ક્લબ નજીક પોતાની ઓફિસ ધરાવે છે. કંપનીમાં ટી વિજયન મેનન નામના કર્મચારી સપ્ટેમ્બર ૨૦૧૧થી આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. વિજયને કંપની સાથે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ પર સહી કરી છે. તેના હેઠળ તે કંપનીનો ડેટા કોઈની સાથે શેર કરી શકે નહીં.

વિજયન માર્કેટિંગ વિભાગમાં કામ કરતા હોવાથી તેની પાસે કંપનીના તમામ વિતરકોની ડિટેલ અને તેના કોન્ટેક્ટની વિગતો હતી. કંપનીના અધિકારીઓને વિજયન પર પૂરો ભરોસો હતો અને તેઓ તેની ગતિવિધી પર નજર રાખતા ન હતા. આ વાતનો વિજયને ફાયદો ઉઠાવ્યો અને બારોબાર વહીવટ શરૂ કરી દીધો હતો

તેવો આરોપ FIRમાં મુકવામાં આવ્યોછે. ૨૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ એસ્ટ્રલ પાઈપ્સના બે વિતરકો કંપનીના બિઝનેસ ફાઈનાન્સ મેનેજર જિતેન્દ્ર ઈન્દ્રોડિયાને મળ્યા અને ફરિયાદ કરી કે વિજયન અને તેનો પુત્ર રિશભ એસ્ટ્રલ પાઈપ્સના ક્લાયન્ટ સાથે બહારથી અલગ રીતે બિઝનેસ કરતા હતા.

FIRમાં જણાવાયા મુજબ વિજયન અને તેના પુત્રે સાથે મળીને તુલસી એસોસિયેટ્‌સ નામે કંપની બનાવી હતી. સુરધારા સર્કલ પાસે તેમની ઓફિસ પણ આવેલી છે. જે ગ્રાહકો એસ્ટ્રલ પાઈપ્સને પરચેઝ ઓર્ડર આપતા હતા તેને વિજયન અને તેનો પુત્ર ડાયરેક્ટ માલ વેચતા હતા. તેથી કંપનીને પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કંપની સાથે ચિટિંગ કરનાર પિતા-પુત્રે કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સને પણ ધમકી આપી છે કે તેઓ આ વિશે કંપનીને જાણ કરશે તો તેમને સમયસર ઓર્ડર નહીં મળે. તેમણે વિતરકો પાસેથી ૬૫ લાખ રૂપિયા પણ લીધા હતા. બોડકદેવ પોલીસે વિશ્વાસભંગની કલમો અને આઈટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધીને આગળ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.