DYSO અને નાયબ મામલતદારની પરીક્ષાની તારીખો જાહેર કરવા આદેશ
(એજન્સી)અમદાવાદ, સરકારી પરીક્ષાઓમાં ક્યારેક પ્રશ્નોમાં ગરબડ તો ક્યારેક પેપર ફૂટવાના લીધે પરીક્ષાઓ મોકૂફ રખાતી હોય છે, એમાં પણ જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષામાં વારંવાર ભૂલો જોવા મળે છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષામાં ૧૯ પ્રશ્નો સામે વાંધો ઉઠાવાતા તેમાં સુધારો કરી નવેસર પરિણામ જાહેર કરતાં નવા ૧૯૨૭ ઉમેદવારો ઉમેરાયા હતા.
આ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછો સમય મળતાં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ અંગે હાઇકોર્ટે વારંવાર ભૂલો કરતી જીપીએસસીને ફરી એકવાર ફટકાર લગાવતાં ડીવાયએસઓ અને નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા મુલતવી રાખીને નવી તારીખો એક જ અઠવાડિયામાં જાહેર કરવાનો આદેશ કર્યો છે.
વર્ષ ૨૦૨૩માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત ક્રમાંક ૪૨ આપી તેમાં ડેપ્યુટી સેકશન ઓફિસર- ડીવાયએસઓ અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની ૧૨૭ જગ્યાની જાહેરાત માટેની અરજીઓ મંગાવી હતી. આ માટે તારીખ ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરાયું હતું અને ૧૮ માર્ચ ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર કરાયું હતું, જેમાં ૩૩૪૨ ઉમેદવારો પાસ થયા હતા.
જો કે જીપીએસસી દ્વારા જાહેર કરાયેલી આન્સર કીમાં અમુક પ્રશ્નો શંકાસ્પદ હતા, જેથી કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો અને જીપીએસસીની આન્સર કીના ૧૯ પ્રશ્નોને પડકાર્યા હતા. જેમાં હાઇકોર્ટના હુકમ બાદ જીપીએસસીએ જવાબમાં સુધારો કરીને ૮ જુલાઇ ૨૦૨૪ના રોજ ફરી પરિણામ જાહેર કર્યું.