પરીક્ષાઓ આવી, વિદ્યાર્થીઓને સારા માહોલની જરૂર છે
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અંદાજે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે
પરીક્ષાની મોસમ આવી. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ પરીક્ષાનું ટેન્શન અનુભવતા હોય છે. બોર્ડની પરીક્ષાઓને હવે ૩૦ દિવસ પણ બાકી નથી. વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષા પછી તુરંત શાળા અને કોલેજાેમાં પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષા નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ સારો માહોલ મળે તે ખૂબ જરૂરી છે. બાળકને વાંચવા માટે સાનુકૂળ વાતાવરણ જાેઈએ છે. કદાચ લોકો પોતાના પ્રસંગો કે પાર્ટી અને મહેમાનગતિ અને હરવા ફરવામાં બાળકની પરીક્ષા ભૂલે છે. પરિણામે બાળકને ભણવા માટે જાેઈએ તેવી એકાગ્રતા રહેતી નથી. માતા-પિતા-પરિવાર-સમાજ અને શાળા પરિવારે પણ બાળકના ભવિષ્યનો ખ્યાલ રાખી બાળક માટે યોગ્ય માહોલ સર્જવાની અને બાળકોના આરોગ્ય અને મન અંગે કાળજી લેવી જાેઈએ.
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અંદાજે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે. ધોરણ ૧૦નું બાળક જીવનમાં પ્રથમવાર બોર્ડ પરીક્ષા આપવાના છે. કોઈપણ વ્યક્તિ જ્યારે પરીક્ષા કે કોઈ ટેસ્ટ આપવાની હોય ત્યારે ટેન્શન આવે, ચિંતા વધે છે. તે રીતે જે બાળકો બોર્ડની પરીક્ષા આપવાના છે. તેને પરીક્ષાના ડર સ્વાભાવિક છે. કેટલા માર્કસ આવશે ? અને પૂરી તૈયારી થઈ શકી નથી. પેપર સરળ હશે ? હું લખી શકીશ? અપેક્ષા પ્રમાણે માર્કસ આવશે ? વગેરે પ્રશ્નો સતત પજવતા હોય છે. શાળા-કોલેજાેના અન્ય વિદ્યાર્થીઓ પણ હવે વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન તેે યોગ્ય પ્રોત્સાહન. માર્ગદર્શન કે યોગ્ય વાતાવરણ (માહોલ) મળે છે ખરો ?ઉત્સવ ઘેલા ગુજરાતીઓએ આ બાબતમાં થોડું ચિંતન કરવાની જરૂર છે.
નવેમ્બર મહિનાથી શરૂ થયેલા લગ્નોત્સવ હજુ પૂરા થયા નથી. કમુરતામાં પણ ઢોલ વધુ ઢબૂક્યા હતા. લગ્ન જેવા પ્રસંગોએ અન્ય લોકોને પરેશાન કરતા અવાજના પ્રદૂષણ અંગે કોઈ વિચારતું જ નથી. કોરોના મહામારી પછી મળેલી મોકળાશમાં ફુલેકા-બેન્ડવાજા સાથે વરઘોડાનું પ્રમા વધ્યું હોય તેમ લાગે છે. શહેરના મુખ્ય માર્ગાે ઉપર વરઘોડા બંધ છે. પરંતુ લગ્ન માટેના પાર્ટી પ્લોટની આજુબાજુ બેફામ રીતે નાચ-ગાન અને બેન્ડવાજાનું દૂષણ લોકો અનુભવી રહ્યા છે. રાત્રે કાન ફાડી નાખે તેવા અવાજ સાથે રહેણાંક વિસ્તારમાં ફુલેકા ફેરવવામાં આવે છે. આ ડી.જે.ના મોટા અવાજના કારણે વિદ્યાર્થીઓને વાંચનમાં મોટી ખલેલ પડે છે. નાના બાળકો અને બીમાર વૃદ્ધોને મોટું નુકસાન કરે છે. પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરી બેન્ડવાજાનો અવાજ બંધ કરવાની જરૂર છે.
ગામડું હોય કે લગ્નપ્રસંગોમાં દિવસો વધતા જાય છે. ગીત-મંડપ અને લગ્ન ત્રણ દિવસને બદલે હવે સંગીત સંધ્યા, હલ્દી રસમ, મહેંદી રસમ અને વાના રસમ ઉમેરાતી જાય છે. લગ્ન પહેલાં એક અઠવાડિયું વિવિધ પાર્ટીઓ શરૂ થાય છે. એક પ્રસંગમાં ઓછામાં ઓછા ૧૦૦ પરિવારો સાગમટે લગ્ન માણતા હોય છે. આ પરિવારોના બાળકોની ચિંતા ખુદ બાળકના વાલી પણ ન કરતા હોય તેમ લાગે છે. એક પ્રસંગમાં હાજરી આપ્યા પછી બાળકો બે દિવસ સુધી એકાગ્રતાથી પરીક્ષાની તૈયારી કરી શકતા નથી. પ્રસંગોમાં ભણતા બાળકોને સાથે લઇ જવાનું ટાળવું જાેઈએ. બાળકને પણ ઘેર એકલા વાંચવા કરતાં પ્રસંગોમાં આવવાનું ગમે છે. જે તેના અભ્યાસને મોટું નુકસાન કરે છે.
ડી.જે.નો અવાજ કાનના પડદાને નુકસાન કરે છે. શેરીમાં નીકળેલા બેન્ડવાજા ગામ કે સોસાયટીના ઘરોમાં ધ્રુજારી આપે છે. ત્યારે શહેરોમાં એપાર્ટમેન્ટમાં મોડી રાત સુધી ડી.જે.ના અવાજાે કલાકો સુધી બાળકોના અભ્યાસને ખલેલ પાડે છે. ઊંઘી પણ શકાતું નથી. આવી પરિસ્થિતિમાં જનસમાજે કાળજી રાખી બાળકોના શિક્ષણને નુકસાન ન થાય તે રીતે પ્રસંગો કરવા જાેઈએ. શહેરોમાં રહેતા ઉત્તર ગુજરાતના ઘણા પરિવારો દિવાળી અને ઉનાળા વેકેશનમાં જ લગ્ન પ્રસંગો કરે છે. જેથી બાળકનું શિક્ષણ કે પોતાના ધંધા-વેપાર-નોકરીમાં નુકસાન થતું નથી. જ્યારે અન્ય લોકો અને ખાસ કરી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ બાળકોના દિવાળી વેકેશનમાં વતન કે અન્ય જગ્યાએ હરે ફરે છે. જેવું વેકેશન પૂરું થાય અને શાળાઓ શરૂ થાય એટલે લગ્નોત્સવ શરૂ કરે છે. હીરા ઉદ્યોગમાં કારીગરોને ફિક્સ પગાર નથી.
જેટલું કામ કરે તે પ્રમાણે રોજગારી મળે છે. એટલે લગ્નગાળામાં બાળકોનું શિક્ષણ અને વાલીની આવક બંનેને નુકસાન કરી પ્રસંગો થાય છે. આ યોગ્ય નથી. શિક્ષણની સુવિધાઓ વધી તેમ છતાં જાેઈએ તેવો સ્કિલ્ડ મેનપાવર મળતો નથી. કારણ શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ નથી. મોંઘી ફી ભરી બાળકોને ભણાવવા છે, પરંતુ ઘરમાં યોગ્ય વાતાવરણ આપવાની કાળજી લેવામાં આવતી નથી. આજે રાષ્ટ્રનું મોડલ સ્ટેટ ગુજરાતમાં પોતાના ગુજરાતી આઈએએસ, આઈપીએસ કે ઉચ્ચ અધિકારીઓ નથી કારણ જનસમાજમાં શિક્ષણલક્ષી અને ઉચ્ચ કારકિર્દીલક્ષી માહોલ નથી. પરિણામે બાળકોને ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે માઈન્ડ સેટ થતું નથી. અમદાવાદ ખાતે ભારતની શ્રેષ્ઠ એવી આઈઆઈએમ કોલેજ છે. તેમાં ગુજરાતીઓ કેટલા ? એ પ્રશ્નનો જવાબ ગુજરાતીઓનો શિક્ષણ માટેનો અભિગમનો પૂરાવો છે. વેપારમાં હોશિયાર ગુજરાતી બાળકોના શિક્ષણ માટે જાેઈએ તેવા જાગૃત નથી.
તાજેતરમાં વડાપ્રધાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરમાં બાળકોને અને જનતાને પરીક્ષા અંગે વધુ જાગૃત કરવાનો પ્રયાસ કર્યાે હતો. છેલ્લા ઘણાં વર્ષાેથી પરીક્ષાનો ડર કાઢવા અને મજબૂત બની પરીક્ષા અંગે તૈયારી થાય તે માટે જનજાગૃતિનું નોંધનીય કાર્ય થાય છે. વડાપ્રધાને પરીક્ષા યોદ્ધા (એક્ઝામ વોરિયર્સ)નામનું પુસ્તક પણ લખ્યું છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ અને તે પછી કોલેજ પ્રવેશ માટેની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. તેને ખલેલ ન પડે, તેનું આરોગ્ય સારું રહે, તેને તૈયારી કરવા માટે પ્રોત્સાહન મળે, ઘરમાં હળવું વાતાવરણ પણ મળે તેમ જ તમામ પ્રકારે તે બાળકની કાળજી લેવાય તે ખૂબ જરૂરી છે. પરીક્ષા નજીક આવે તેમ બાળક ટેન્શનમાં આવતું હોય છે. છેલ્લા દિવસોમાં ટેન્શનના કારણે યાદ રહેતું નથી.. ઊંઘ આવતી નથી…ભોજન ભાવતું નથી. આ ડિપ્રેશનના લક્ષણો છે. બાળક ટેન્શન મુક્ત..હળવું અને હસતું રહે તેવું વાતાવરણ આપવાની જવાબદારી પરિવારની છે. સાથે સાથે જનસમાજની પણ છે.
પરીક્ષા નજીક આવે ત્યારે બાળક આરોગ્યની પણ કાળજી રાખવી પડતી હોય છે. બાળક ઓછામાં ઓછું ૬થી ૭ કલાક ઊંઘે તે પણ જરૂરી છે. સૌથી મહત્ત્વની વાત બાળકના ખોરાકની કાળજી લેવાની છે. ભારે કે ફાસ્ટ ફૂડથી બાળકની એકાગ્રતા તૂટે છે. ઊંઘ આવે છે. વાંચવાનું ગમતું નથી. પરિણામે બાળકને નુકસાન થાય છે. આ સમય દરમિયાન બાળકને હળવો ખોરાક અને પ્રવાહી કે ફ્રૂટ વગેરે વધુ આપવું જાેઈએ. રાત્રે ઓછું જમે તેમ જ ઊંઘવાના ૩ કલાક પહેલાં રાતનું ભોજન લઈ લેવું જાેઈએ. આવા સમયે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. માતા-પિતાની વધુ પડતી અપેક્ષાઓ બાળક ઉપર દબાણ લાવે છે. બાળકની ક્ષમતા જેટલી જ અપેક્ષા રાખવી જાેઈએ. છેલ્લા દિવસોમાં લક્ષ કે અપેક્ષા વારંવાર યાદ કરાવતા વાલી બાળકને ટેન્શન આપે છે. પરિવારના પ્રશ્નો કે પરિવારમાં કોઈ બીમાર હોય. તે ચિંતાથી પણ બાળકને દૂર રાખી. હળવાશ આપવી જાેઈએ. રાષ્ટ્રનું ભાવિ એવા બાળકોનું યોગ્ય ઘડતર કરવું તે આપણું કર્તવ્ય છે.