Western Times News

Gujarati News

મહેસાણા કૃષિપંચની કચેરીમાંથી 5 કેસોના દસ્તાવેજો ગાયબ !

આરટીઆઈની અરજીના જવાબમાં રેકર્ડ મળતું ન હોવાનો ઉલ્લેખ-વિજાપુરના આગલોડ ગામના પાંચ ગણોત કેસોની વર્ષ ર૦૧૩માં સુનાવણી થઈ હતી

મહેસાણા, મહેસાણા ખાતે આવેલી કૃષિપંચની કચેરીએ પોતાના જ હસ્તકના ગણોત કેસના દસ્તાવેજો મળી આવતા ન હોવાની કબુલાત રાઈટ ટુ ઈન્ફર્મેશનની અરજીના જવાબમાં કરતા આશ્ચર્ય સર્જાયું છે.

વિજાપુર તાલુકાના ફલુ ગામના એક અરજદારે ત્રણ મહિના અગાઉ ગણોત કેસ સંલગ્ન પાંચ કેસના દસ્તાવેજોની નકલો માંગી હતી. મહેસૂલી કચેરીમાં સુરક્ષિત રેકર્ડની સાચવણી હોવા છતાં અત્રેની કચેરીથી શોધખોળ કરતાં માગ્યા મુજબનું રેકર્ડ હાલમાં મળી આવેલ નથી તેવો જવાબ કૃષિપંચે અરજદારને આપી હાથ અધ્ધર કરી દીધા છે.

વિજાપુર તાલુકાના આગલોડ ગામની સીમમાં આવેલા સર્વે નં.૩૬૭, ૩૮૪, ૩૪૪, ૩૪૦/૧ તેમજ ૩૮ર વાળી જમીનમાં વર્ષ ર૦૧૩માં ગણોત સંબંધિત કેસની સુનાવણી બાદ કૃષિપંચ તરફથી નિર્ણય લેવાયા હતા. ત્યારબાદ ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉભો ન થાય તે હેતુથી ઉપરોકત ગણોતના પાંચેય કેસોની સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે દશ વર્ષ બાદ વિજાપુર તાલુકાના ફલુ ગામના અરજદાર કાળુસિંહ બી. રાઠોડે આ ગણોત કેસોના દસ્તાવેજોની નકલ મેળવવા રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ બે મહિના અગાઉ કૃષિપંચને અરજી કરી હતી.

માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ મુજબ અરજદારને સમય મર્યાદામાં માહિતીની નકલો તો ન મળી પરંતુ સમય મર્યાદામાં મહેસાણાના મામલતદાર-કૃષિપંચ અને જાહેર માહિતી અધિકારી યુ.એચ. વાળંદે રેકર્ડ મળી આવેલ ન હોઈ આપી શકાય તેમ નથી.

છતાં નારાજ હોય તો ત્રીસ દિવસમાં વિસનગરના પ્રાન્ત અધિકારીને અપીલ કરવાનો જવાબ આપ્યો હતો. અરજદારને ભલે કોઈ કારણોસર ઉપરોકત રેકર્ડ ન મળ્યું પરંતુ, આ પાંચેય ગણોત કેસના દસ્તાવેજો કેવી રીતે ગાયબ થયા તે પ્રશ્ન ઉભો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.