Western Times News

Gujarati News

ઉજાગરા- થાકના કારણે શરદી-ઉધરસ, વાઈરલના કેસ વધ્યા

પ્રતિકાત્મક

બેવડી ઋતુનો સમયગાળો હજુ લાંબો ચાલશે. જેના કારણે શરદી, ખાંસી, તાવ, ઈન્ફેકશનના કેસમાં હાલ પુરતો ઘટાડો થશે નહી.

(એજન્સી) અમદાવાદ, નવલી નવરાત્રિ અને દશેરા પર્વનું સમાપન થઈ ગયું છે. ખેલૈયાઓ સહિત નાના-મોટા સૌએ આ પર્વનો આનંદ મનભરીને માણ્યો છે, પરંતુ ત્યારબાદના દિવસોમાં હવે આ આનંદ મોટાભાગના લોકોની તબિયત ખરાબ થવામાં પલટાઈ રહ્યો છે. સળંગ દસ દિવસ મોડી રાતના ઉજાગરા, અપૂરતી ઉંઘ, મોડી રાતે કરેલા

બહારના તેલ-મરચાંવાળા નાસ્તા, ઠંડા પીણાં અને વહેલી સવાર સુધી ગરબા રમવાના કારણે લાગેલા ભયાનક થાકથી લોકો ગળામાં દુખાવો, શરદી, તાવ, ખાંસી અને વાઈરલ ઈન્ફેકશનનો શિકાર બની રહ્યા છે. દવાખાનામાં હવે દર્દીની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. ઘેરથી જ નાના મોટા ઘરઘથ્થુ ઉપચાર અને ઘેર બેઠા જાતે લીધેલી મેડિસિનથી પણ તબિયતના સુધારામાં ફરક નહીં પડતાં છેવટે લોકો ડોકટર પાસે પહોંચી રહ્યા છે.

માત્ર વાઈરલ ઈન્ફેકશન જ નહિ પરંતુ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. જાેકે મહાનગરપાલિકાના ચોપડે આ કેસ ગણતરીના જ નોંધાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના શંકાસ્પદ કેસ શહેરની મોટાભાગની કિલનિકમાં રોજ નોંધાય છે, જેમાં રેપિડ કાર્ડ ટેસ્ટ કરીને સારવાર ચાલુ કરી દેવાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ગરબામાં શું કરવું અને શું ન કરવું તે માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હદયની સમસ્યા હોય તેમને સાવચેત રહેવા અને આ રોગથી પીડાતા લોકોને લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળવા જણાવાયું હતું પરંતુ ગરબાના ઉત્સાહી ખેલૈયાઓએ આ સલાહને ટાળી હતી હવે ડોકટર પાસે જવા સિવાય તેમના માટે છૂટકો નથી.

હાલની બીમારીની પાછળ અત્યારનું વાતાવરણ છે. લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં રાતનું તાપમાન રર ડિગ્રી સુધી પહોંચી જતાં મોડી રાતના સમયે વાતાવરણમાં ઠડકનો અનુભવ થઈ રહ્યો છે. જયારે વહેલી સવારે ઝાકળ પણ પડી રહ્યું છે. દિવસે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે દિવસે લોકો ઠંડુ પાણી અને ઠંડા પીણાં પીએ છે

જયારે રાતના ગરબામાં બહાર જતા લોકો ઉજાગરા તો કરે છે સાથે થાક અને બહારની ખાણી પીણીના કારણે પેટના રોગોથી પણ પીડાય છે. મોટાભાગના લોકો હાલમાં ફૂડ ઈન્ફેકશનથી પીડાઈ રહ્યાં છે. ગમે તેવું પાણી પીવાનાં કારણે તેમ જ બહારના વાસી ફૂડ ખાવાના કારણે લોકો પેટના રોગનો શિકાર બની રહ્યા છે. ડોકટરના મતે દર વર્ષે નવરાત્રિના દિવસો પુરા થતાં જ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવે છે.

દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હજુ દશ દિવસ જેટલો સમય લાગશે પરંતુ વાઈરલ ઈન્ફેકશનના કેસ લાંબા સમય ચાલશે. કારણ કે બેવડી ઋતુનો સમયગાળો હજુ લાંબો ચાલશે. જેના કારણે શરદી, ખાંસી, તાવ, ઈન્ફેકશનના કેસમાં હાલ પુરતો ઘટાડો થશે નહી.

ડોકટરના મતે ગમે ત્યારે અચાનક ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલટી થાય, પરસેવો સાથે, ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું. કેળું, નારિયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશિયમવાળો ખોરાક લેવો. ભરપેટ ખોરાક લીધા બાદ શ્રમ ન કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.