નિરાધાર દંપતીને વૃદ્વ પેન્શન યોજનાનો લાભ મળતા સરકારનો આભાર વ્યકત કર્યો
(ડાંગ માહિતી )ઃ આહવા, પ્રજાના પ્રશ્નોનું પારદર્શીતા અને નિષ્ઠા સાથેનુ નિવારણ એટલે રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ. દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઇ મોદીએ પ્રજા પ્રશ્નોના સુઃખદ નિરાકરણ માટે ૨૪ એપ્રિલ વર્ષ ૨૦૦૩ના રોજ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી.
જેના ભાગ રૂપે રાજ્ય સરાકર દ્વારા એપ્રિલના છેલ્લા સપ્તાહને ‘સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્યભરમા ચાલી રહેલ સ્વાગત કાર્યક્રમને શહેરી પ્રજાની સાથે અંતરીયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમા પણ હકારાત્મક પ્રતિભાવો મળી રહ્યા છે.
રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામા સ્વાગત સપ્તાહના ફરિયાદ નિવારણ કાર્યક્રમમા પોતાના પ્રશ્નોનુ સુઃખદ નિરાકરણ આવતા અરજદારો સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. વઘઇ ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમા ભેંસકાત્રી ગામના શ્રી ધર્મુભાઇ પવારના પ્રશ્નનુ સુઃખદ નિવારણ આવ્યુ હતુ.
ભેંસકાત્રી ગામના વડીલશ્રી ધર્મુભાઇ પવાર જેઓ ખેત મજુરીનુ કામ કરે છે. ગરીબી રેખાની નીચે જીવન વ્યતીત કરી રહેલ ધર્મુભાઇને ઢળતી ઉમરે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજનાનો લાભ મળતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધર્મુભાઇ પવાર જણાવે છે કે, તેઓએ સ્વાગત કાર્યક્રમમા વૃદ્વ પેન્શન યોજના માટે અરજી કરી હતી. તેઓ પેન્શન મેળવવા પાત્રતા ધરાવતા હોવાથી સ્થળ ઉપર જ તેમની અરજી સ્વીકારીને મંજુર કરવામા આવી હતી. તેઓ હવે આર્થીક સહાય મેળવી માનભેર સમાજમા જીવન વ્યતીત કરશે તેમ પણ શ્રી ધર્મુભાઇએ વધુમા જણાવ્યુ હતુ.
ધર્મુભાઇ તથા તેમની પત્ની શ્રીમતી લાછીબેન પવારને પણ વૃદ્વ પેન્શન સહાય યોજના યોજનાનો ઓર્ડર મળતા તેઓએ સરકારશ્રીનો આભાર વયક્ત કર્યો હતો. આમ રાજ્ય સરકારનો આ કાર્યક્રમ નિરાધારોનો આધાર બની રહ્યો છે.