RSS વિરુદ્ધની રેલીમાં ગેરહાજર કોંગ્રેસના ૬૦ નેતાઓની હકાલપટ્ટી
નાગપુર, રામ મંદિરનું નિર્માણ એ વાસ્તવિક સ્વતંત્રતા છે, આરએસએસ વડા મોહન ભાગવતના આ નિવેદનને લઈને કોંગ્રેસે તાજેતરમાં વિરોધ કર્યાે હતો. આ વિરોધના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલય સુધી એક કૂચ કાઢવામાં આવી હતી, પરંતુ પક્ષના ઘણા કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાથી દૂર રહ્યા હતા.
હવે કોંગ્રેસે આ લોકો સામે કાર્યવાહી કરી છે અને કુલ ૬૦ કાર્યકરોને તેમના પદ પરથી હટાવી દીધાં છે. કોંગ્રેસે જે નેતાઓ સામે કાર્યવાહી કરી છે તે યુવા પાંખના સભ્યો કે પદાધિકારીઓ છે. કોંગ્રેસ દ્વારા દૂર કરાયેલા પદાધિકારીઓમાં કેટલાક ઉપપ્રમુખો, ૮ મહામંત્રીઓ, ૨૦ સચિવો અને કેટલાક જિલ્લા પ્રમુખોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય યુવા કોંગ્રેસે ૧૯ જાન્યુઆરીના રોજ એક કૂચનું આયોજન કર્યું હતું, જેનું નેતૃત્વ રાષ્ટ્રીય વડા ઉદય ભાનુએ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા જે યુવા નેતાઓને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમાં શિવાની વડેટ્ટીવારનો સમાવેશ થાય છે. તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારની પુત્રી છે. આ ઉપરાંત નાગપુર પશ્ચિમના ધારાસભ્ય વિકાસ ઠાકરેના પુત્ર કેતન ઠાકરેને પણ હટાવી દેવામાં આવ્યા છે.
અનુરાગ ભોયર અને મિથિલેશ કાન્હેરેને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ બધા નેતાઓ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના સચિવ હતા.
રાજ્ય યુવા કોંગ્રેસના પ્રમુખ તનવીર અહેમદ વિદ્રોહીને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. નેતાઓએ કોંગ્રેસના આંદોલનમાં ભાગ કેમ ન લીધો તે અંગે અનેક સવાલ ઉપસ્થિત થયાં હતાં. છેવટે, હાઇકમાન્ડની મંજૂરી બાદ, ૬૦ નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.SS1MS