ફડણવીસ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૨%નો વધારો કર્યો

મહારાષ્ટ્રમાં સરકારી પ્રસ્તાવ અનુસાર ડીએને ૪૪૩ ટકાથી સંશોધિત કરીને ૪૫૫ ટકા કરી દેવામાં આવ્યું
મુંબઈ, હોળીનો તહેવાર આવે તે પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૨ ટકાનો વધારો કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક આદેશ જાહેર કરીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫માં પગારપંચ અંતર્ગત ૧૨ ટકાનો વધારો કર્યો છે. જે ૧ જૂલાઈ ૨૦૨૪થી લાગૂ થશે. સરકારી પ્રસ્તાવ અનુસાર ડીએને ૪૪૩ ટકાથી સંશોધિત કરીને ૪૫૫ ટકા કરી દેવામાં આવ્યું છે. તેની ચુકવણી ૨૦૨૫ની ફેબ્રુઆરીમાં આવતી સેલરી સાથે જોડી દેવામાં આવશે. તેમાં ૧ જૂલાઈ ૨૦૨૪થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીનું બાકી પણ સામેલ છે.
રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ડીએ વધારાથી લગભગ ૧૭ લાખ કર્મચારીઓને લાભ મળે તેવી આશા છે. આદેશમાં કહેવાયું છે કે સંશોધિત મોંઘવારી ભથ્થા પર થનારો ખર્ચને સરકારી કર્મારીઓ માટે સંબંધિત વેતન અને ભથ્થામાં વહેંચવા માટે બજેટમાંથી જોગવાઈ પુરી કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ કરી રહ્યા હતા. કર્મચારીઓની માંગ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, સરકારે ભથ્થામાં વધારો કરવાનું વિચાર્યું અને અંતે ડીએમાં ૧૨ ટકાનો સીધો વધારો જાહેર કર્યો. રાજ્યના લાખો સરકારી કર્મચારીઓએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીને ખુશી વ્યક્ત કરી છે.
બીજી તરફ, કેન્દ્ર સરકાર પણ તેના કર્મચારીઓ માટે ૮મા પગાર પંચને લાગુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ૮મું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ થવાનું છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે વિલંબ થઈ શકે છે. ૮મા પગાર પંચના અમલ પછી, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે.