ફાગણી પૂનમ મહોત્સવ ૨૦૨૫ નિમિતે ડાકોર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ)નડિયાદ, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ખેડા-નડિયાદ દ્વારા માંગલ્ય વિલા સામે, રાધાકુંડ રોડ ડાકોર ખાતે ડાકોર ફાગણોત્સવ ૨૦૨૫ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યનો હેલારો એવા સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવેએ ડાકોર ફાગણોત્સવમાં હાસ્યની રમઝટ જમાવી હતી.
કલાકાર સાંઈરામ દવેએ દામ્પત્ય જીવન, લગ્ન, જમાઈ-સસરા, હેર સ્ટાઈલ, આધુનિક શિક્ષણ, મેમાનગતી, વ્યસન, મિમિક્રી અને સાંપ્રત ઘટનાઓ સહિત લોક સંસ્કૃતિની રમૂજભરી પણ સંસ્કાર સભર વાતો કરી ડાકોરમાં હાસ્ય રસના ફુવારા ઉડાવ્યા હતા. સાંઈરામ દવેએ બહુ જ સુંદર અને હળવી શૈલીમાં ગ્રામીણ જીવનની પ્રસ્તુતતા રજૂ કરી આજની યુવાપેઢીને દેશભક્તિને સમર્પિત કાર્યો કરવા અપીલ કરી હતી.
યુવા પેઢીને વ્યસન થી દુર રેહવા તથા સાચા મહાપુરુષોનું અનુકરણ કરવા જણાવ્યું હતું. સાથે જ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની અસ્મિતાનું ગૌરવ લેવા અપીલ કરી હતી. સોશ્યલ મીડિયાની અસર, નવા ખાણી પાણીની અસર, ગુજરાતની રીત ભાત અને જીવનશૈલીનું જીવંત હાસ્ય ચિત્ર રજૂ કરી મનોરંજન શ્રી દવેએ કરાવ્યું હતું.
હસ્ય કલાકારે ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિને યાદ કરતા રાજા રણછોડરાયજીના ભજનો ગાયી ડાકોર ભૂમિમાં ‘જય રણછોડ’ ના નાદ ગુંજવ્યા હતા. તેમણે શ્રદ્ધાળુઓને પૂનમ ભરવાથી નિર્માણ થતી શાંતિ વિશે વાત કરી ભારતીય સાંસ્કૃતિનું વૈજ્ઞાનિક માહાત્મ્ય સમજાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત અનેક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં તપસા એકેડમીની નૃત્યાંગનાઓ દ્વારા ગણેશવંદના, સૌરાષ્ટ્રના માણીયા હાટીના કલાકારો દ્વારા ઢાલ-તલવાર રાસ, બારડોલીના કલાકારો દ્વારા વાયોલિન બેઝડ ક્રિષ્ના લીલા અને ભરૂચના કલાકારો દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરી સાંસ્કૃતિક મહોત્સવનો માહોલ ઉભો કર્યો હતો.આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ‘ડાકોરના ઠાકોર’ ના તાલે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા
આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, મનપા કમિશનર જી.એચ.સોલંકી, એડિશનલ કલેકટર સંગીતા રૈયાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, ઠાસરા પ્રાંત અધિકારી કરણ પ્રજાપતિ, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ, ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, ભક્તો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.