રૂ.૫૦૦ના દરની ૩૬૧ નકલી ચલણી નોટ સાથે શખ્સ ઝડપાયો

રૂ.૫૦૦ના દરની ૩૬૧ નકલી ચલણી નોટ સાથે શખ્સ ઝડપાયો
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત કામગીરીમાં મોટી સફળતા મળી છે. તાજપુરી-વંદેલી રોડ પર ભાથીજી મહારાજના મંદિર નજીકથી પોલીસે ૫૦૦ રૂપિયાની ૩૬૧ નકલી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે વિરણીયા ગામના રહેવાસી રઘુવિરસિંહ અભેસિંહ ઘોડની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી રૂ. ૧.૮૦ લાખની નકલી નોટો મળી આવી છે. ઉપરાંત, તેની પાસેથી પલ્સર મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ બેંકોની ચેકબુક, પાસબુક, રબર સ્ટેમ્પ અને અન્ય શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.
મોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૭૮, ૧૭૯, ૧૮૦ અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.