ગાંધીનગરમાં ઉપરી સાહેબ સાથે સારા સંબંધ છે કહીને લોકોને શિકાર બનાવતો નકલી ACBનો PI

ઝડપાયેલો શખ્સ નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટરનો પુત્ર-પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવાની લાલચ આપતો એસીબીનો નકલી પીઆઈ ઝડપાયો
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાંથી પોલીસે એસીબીના નકલી પોલીસ ઈન્સ્પેકટરને ઝડપી લીધો છે. આ શખ્સે પોતાની ખોટી ઓળખ આપી એક યુવતીને મેસેજ કરીને તેને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપીને રપ હજાર માંગ્યા હતા.
જો કે, આ અંગે શંકા જતા પોલીસને જાણ કરવામાં આવતા તેના કરતૂતનો ભાંડફોડ થયો હતો. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો શખ્સ નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટરનો પુત્ર હોવાનું ખુલ્યું છે.
સુરતમાં રહેતી યુવતીને આ શખ્સે પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. યુવતીનું નામ સ્વાતી છે. આ શખ્સે યુવતીના મોબાઈલ પર મેસેજ કરીને પોતાની ઓળખ પ્રારંભમાં રાહુલ પટેલ તરીકે આપી હતી ત્યારબાદ તેણે પોતે જીપીએસસી પાસ કરેલ હોવાની વાત કરી મારી પાસે મટરિયલ છે. ઉપરી સાહેબ સાથે સારા સંબંધ છે. પાસ થવું હોય તો કહેજે જેવો મેસેજ મોકલ્યો હતો.
ત્યારબાદ આ શખ્સે સ્વાતીની માતાને પણ મેસેજ કરીને સ્વાતી કયાં છે મારે કામ છે, કહીને તેમણે પણ આઈપીએસની પરીક્ષા આપી છે. યુપીએસસીમાં ફેઈલ થયો છે. જીપીએસસીમાં પાસ થયો છે. જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાથે સેટીંગ છે. તેવી મેસેજ થ્રુ વાતચીત કરી હતી ત્યારબાદ આ શખ્સે સ્વાતી સાથે વાતચીત કરીને તારે પીએસઆઈની પરીક્ષામાં પાસ થવું હોય તો મારી પાસે સેટીંગ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રકારના ઉપરાછાપરી ફોન અને મેસેજ આવતા સ્વાતીએ પોતાના પિતાના મિત્ર તલોદના રાકેશ શાહનો સંપર્ક સાંધ્યો હતો અને રાહુલ નામની ઓળખ આપનાર શખ્સનો નંબર આપ્યો હતો. આથી રાકેશ શાહે આ નંબર પર ફોન કર્યો હતો પરંતુ સામેની વ્યક્તિએ ફોન રિસીવ કર્યો ન હતો આથી રાકેશ શાહે તેને મેસેજ મોકલ્યો હતો જે તે સમયે મેસેજનો જવાબ આવ્યો ન હતો.
દરમિયાન ગત તા.રજી મેના રોજ રાકેશ શાહને આ વ્યક્તિએ મેસેજ કર્યો હતો. આ વખતે તેણે પોતાને કલેકટર કચેરીમાં સેટિંગ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે કામ કરવું હોય તો પૈસા એડવાન્સ આપવા પડશે તેવી વાત કરી તેણે રાકેશ શાહને પોતાની ઓળખ એસીબીના પીઆઈ કે.ડી.પટેલ તરીકે આપી પોતાનું હાલ ગાંધીનગરમાં પોસ્ટીંગ હોવાની વાત કરી હતી આથી રાકેશ શાહને શંકા જતાં તેઓએ પોલીસનો સંપર્ક સાંંધ્યો હતો.
દરમિયાન તેઓએ ઉપરોકત વ્યક્તિ સાથે વાતચીત શરૂ રાખી હતી. સામેની વ્યક્તિએ ત્યારબાદ રપ હજારની માગણી કરી હતી જે પૈસા આપવા માટે રાકેશ શાહે તેને બોલાવ્યો હતો.