સુરતમાં હવે જાણીતી કંપનીના નામે પધરાવાતી નકલી સિમેન્ટ પકડાઈ
મુંબઈ, સુરતના ખટોદરા વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના નામે મોટાપાયે બનાવટી સિમેન્ટ વેચવાના કારનામાનો પર્દાફાશ થયો છે. હલકી ગુણવત્તાવાળું સિમેન્ટ અલ્ટ્રાટેકના લોગોવાળી બેગોમાં ભરી ગ્રાહકોને વેચીને લાખોની છેતરપીંડી કરી હતી. ખટોદરા પોલીસ દ્વારા અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખીને ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે.
પોલીસે ૪૧૦ જેટલી બોરી કબજે કરી હતી. નામાંકિત કંપની અલ્ટ્રાટેક કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટ વેચાણ કરવામાં આવતો હતી. સિમેન્ટ વેચાણ કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે હતો. પોલીસે ૧.૪૩ લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યાે હતો.
પોલીસનું કહેવું હતું કે, આરોપીઓ પાસે અલ્ટ્રાટેક કંપનીની ડીલરશીપ કે સિમેન્ટ વેચાણ માટેના દસ્તાવેજી પુરાવાઓ ન હતા તેમછતાં કંપનીના લોગોનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી.પોલીસે ઘટનાસ્થળ પરથી અલ્ટ્રાટેકની લોગોવાળી બેગોમાં પેક કરેલી ૪૧૦ બેગ સિમેન્ટ જપ્ત કરી છે, જેની કિંમત રૂ. ૧,૪૩,૫૦૦ છે.
આ કેસમાં બીએનએસની કલમો ૩૧૮(૪), ૩૪૫(૩), ૩૪૯, ૩૫૦(૧), કોપીરાઇટ એક્ટ ૧૯૯૭ઃ કલમ ૬૩, ટ્રેડમાર્ક એક્ટ ૧૯૯૯ કલમ-૧૦૩ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરીયાદી નીતિન નારાયણ ઠાકરે (ઉ.વ. ૪૬), ભોપાલ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેઓએ આ ઠગાઈ અંગે પોલીસને જાણ કરી હતી. આ પ્રકરણમાં રાજેશભાઈ ચતુરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે, તે સાંઇ આશિષ સોસાયટી, અલથાણ ખાતે રહે છે જ્યારે અન્ય એક લાંબુ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.SS1MS