નકલી સર્ટિ. આધારે ડોકટર બનનાર 14 વર્ષે આખરે ઝડપાયો
પાટણ, રાધનપુરની ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ડુપ્લીકેટ સર્ટિફિકેટ આધારે ડોકટર તરીકે ભરતી થઈ છેતરપિંડી આચરનાર અને છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા બોગસ ડોકટરને ચોકકસ બાતમીના આધારે પાટણ એલસીબીની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલી સૂચનાના આધારે ઈ.પી.આઈ.વી.આર. ચૌધરી એલ.સી.બી. પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે, રાધનપુરની ભણસાલી હોસ્પિટલમાં નકલી સર્ટિ આપી ડોકટર બનનાર અને છેલ્લા ૧૪ વર્ષથી ફરાર આરોપી ભચાઉ છે.
આથી બાતમી આધારે પાટણ એલસીબીએ રેડ કરી ભચાઉ મુકામેથી ઝડપી પાડી રાધનપુર પોલીસને સોંપ્યો હતો. રાધનપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીની પુરછપરછ કરતા તેણે પોતાનું નામ યાદવ મહેશકુમાર નારણભાઈ (રહે. પ્લોટ નં.૧૩, સ્વામીવિવેકાનંદ કો.ઓ.હાઉસીંગ સોસાયટી, લક્ષ્મણધામ સામે હવામહેલ રોડ, પાલીતાણા, જિ. ભાવનગર મૂળ રહે. ડુંગરપુર, તા.પાલીતાણા) હોવાનું જણાવ્યું હતું.
તેણે વર્ષ ર૦૧૦માં ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં ડોકટર તરીકેના ખોટા સર્ટિ.રજૂ કરી એમ.બી.બી.એસ. ડોકટરની ભરતીમાં નિમણુક મેળવી હતી. જોકે સંસ્થા તરફથી ડોકયુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન ડુપ્લિકેટ ડિગ્રી સર્ટિફિકેટના આધારે ભરતી થયેલાનું જણાઈ આવ્યું હતું જેના કારણે આ આરોપી વિરુદ્ધ વર્ષ ર૦૧૦માં ગુનો દાખલ થયો હતો. આ કામના આરોપી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.