સુરત નકલી નોટ કેસના તાર દિલ્હી સુધી -બે આરોપીની ધરપકડ
વધુ ૧૭.૭૫ કરોડની બનાવટી નોટ સાથે બે ઝડપાયા
સુરત, ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરીને નકલી ચલણી નોટના કેસનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે સુરતના કામરેજમાં એમ્બ્યુલન્સમાંથી પકડાયેલી નકલી નોટનો તપાસનો રેલો મુંબઈ બાદ હવે દિલ્લી સુધી પહોંચ્યો છે. જિલ્લા પોલીસે દિલ્લીથી વધુ ૧૭.૭૫ કરોડની બનાવટી નોટ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે. અત્યાર સુધીમાં પાંચ જગ્યાએથી કુલ ૩૩૪ કરોડના અંકિત મૂલ્યની બનાવટી નોટ કબ્જે કરવામાં આવી છે અને કુલ ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો ૨૯ સપ્ટેમ્બરે સુરતના કામરેજ હાઈવે પર એમ્બ્યુલન્સમાં રાખેલા ૬ બોક્સમાંથી ૨૫ કરોડની નકલી ચલણી નોટો ઝડપી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી ૫૨ કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી.
ત્યારબાદ પોલીસ તપાસનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી સુધી તાર પહોંચ્યા છે. અગાઉ આ કેસના માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત ૨ લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે અલગ-અલગ જગ્યા પરથી કુલ ૩૦૦ કરોડથી વધુની નોટો કબ્જે કરી હતી. કૌભાંડ અંગેની વધુ તપાસ હાથધરાઈ છે.
આરોપી પ્રવિણ સીસોદીયાના રિમાન્ડ દરમિયાન દિલ્લીના અમિત રાણા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. જેથી પોલીસની ટીમે દિલ્લીમાં તપાસ કરી હતી. જાે કે ૪૦૦ કરોડથી વધુની બનાવટી નોટ છપાઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હજુ સુધી આ નોટ ક્યાં અને કઈ રીતે છપાઈ હજુ જાણી શકાયું નથી. જેને લઈને પોલીસની ટીમ દિલ્લી, મુંબઈ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દરોડા પાડી તપાસ કરી રહી છે.