કાપડની દુકાનમાં ચાલતા નકલી નોટ છાપવાના નેટવર્કનો પર્દાફાશ
(એજન્સી)સુરત, સુરતનાં સરથાણમાં ડુપ્લીકેટ નોટો બનાવાનું નેટવર્ક ઝડપાયું છે. સુરત એસ.ઓ.જી દ્વારા શહેરનાં સરથાણાનાં યોગી ચોક વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં આવેલ કાપડની ઓનલાઈન વેચાણની ઓફીસામાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનાં કૌભાંડનો પર્દાફ્રાશ કર્યો છે.
પોલીસે મુદ્દામાલ સહિત રાહુલ, ભાવેશ અને પવનને પકડી જેલ હવાલે કર્યા હતા. તેમજ એસઓજીએ સ્થળ પરથી એક લાખની નકલી ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત પોલીસે ૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બાબતે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ એક અસલી નોટ સામે ૩ નકલી નોટ આપતા હતા. તેમજ આરોપીઓ દ્વારા આ નકલી નોટ પાનનાં ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં જ નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓએ માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરત શહેર એસ.ઓ.જી ને બાતમી મળી હતી કે, સરથાણ વિસ્તારમાં આવેલ યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલ ઓફીસમાં કેટલા શખ્શો દ્વારા નકલી નોટો બનાવવામાં આવી રહી છે.
જે બાતમીનાં આધારે એસ.ઓ.જી દ્વારા સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં. ૪૦૬ માં દરોડો પાડતા ઓફીસમાંથી નકલી નોટો બનાવવાની સામગ્રી મળી આવી હતી. ત્રણેય શખ્શો દ્વારા રૂ.૧૦૦ નાં દરની નકલી નોટો બનાવવામાં આવતી હતી.
એસ.ઓ.જી પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની ધરપકડ કરી તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે તેઓ નકલી નોટો છાપવાનું ક્યાંથી શીખ્યા તેમજ નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા. અને અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે. આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવતી હતી. તે તરફ પોલીસ દ્વારા તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.