નકલી પોલીસ કોન્સ્ટેબલ બસ સ્ટેન્ડ પાસે રોફ જમાવી લોકોનો તોડ કરતો પકડાયો
આરોપી ભરૂચ પોલીસના પોક્સોના ગુનાનો આરોપી-અમરેલીમાં બસ સ્ટેન્ડ પાસે રોફ જમાવી લોકોના ખિસ્સા ખંખેરતો નકલી પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો
અમરેલી, નકલીની ભરમાર વચ્ચે અગાઉ તત્કાલીન કેન્દ્રીય મંત્રી રૂપાલાનો પીએ, નકલી દૂધ, ઘી, બિયારણ બાદ હવે અમરેલીમાં વ્યારાનો શખસ નકલી પોલીસ બનીને લોકો ઉપર રોફ જમાવી ખિસ્સા ખંખેરતો હતો તે સમયે અસલી પોલીસ ત્રાટકી હતી.
અને અમરેલી એલસીબીની ટીમ દ્વા આ નકલી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. તેણે આબેહુબ અસલી પોલીસમેન હોય તેવો યુનિફોર્મ પણ પહેર્યો હતો અને અમરેલીમાં જુદા જુદા લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાની પણ શક્યતા છે. આ આરોપી ભરૂચ પોલીસ સ્ટેશનમાં પોકસોના ગુનાનો આરોપી છે અને જેલમાંથી પેરોલ જંપ કરીને ભાગેલો છે.
આ અંગેની વિગતો આપતા અમરેલી લોકલ ક્રાઈમબ્રાંચના સિનિયર પોલીસ ઈન્સ્પેકટરે જણાવ્યું કે, એલ.બી.ટીમને બાતમી મળી હતી કે, અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહી હોવા છતાં પોલીસનો યુનિફોર્મ પહેરી એક ઈસમ આંટાફેરા મારે છે જેના આધારે પોલીસના યુનિફોર્મમાં ફરતા અને લોકો ઉપર પોલીસનો રોફ જમાવતા
તથા લોકોના ખીસ્સા ખંખેરતા ઉમેશ રાહુલભાઈ વસાવા (ઉ.વ.૩૧) રહે. ચિત્તપુર, ટાંકી ફળીયું, તા.ઉચ્છલ, જિ.તાપી, હાલ. રહે. વ્યારા, નવા ડેપો વિસ્તાર, મકાન નં.૧૧, તા.વ્યારા, જિ. તાપીવાળાની અસલી પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બુટ મળી રૂ.૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
પોલીસ દ્વારા આ નકલી પોલીસમેનીન આકરી પુછપરછ શરૂ કરવામાં આવી છે, તેણે જુદા જુદા લોકો પાસેથી બળજબરીથી પૈસા પડાવતા હોવાની શકયતા છે જે મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરીને ગુનાઓ નોંધાશે.