કોલ સેન્ટરમાં નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ
SOGના વી.એસ.હોસ્પિટલ સામે આવેલા બિલ્ડિંગમાં દરોડા
(એજન્સી)અમદાવાદ, શોર્ટકટથી સરકારી કામ થઇ જાય તે માટે કેટલાક લોકો નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતા હોય છે, જેના કારણે તેમણે જેલમાં જવાના દિવસો પણ આવે છે. આવા જ એક બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપવાના કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે કરીને એક આરોપીને ઝડપી લીધો છે. Fake police verification certificate scam busted in call centre
કોલ સેન્ટર પર જાેબ આપવા માટે યુવક નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપતો હતો. એસઓજીએ વી.એસ.હોસ્પિટલની સામે આવેલા એક બિલ્ડિંગમાં રેડ પાડીને સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ કર્યાે છે.
ઓસઓજીની ટીમને બાતમી મળી હતી કે વી.એસ.હોસ્પિટલની સામે આવેલા મહાકાન્ત કોમ્પ્લેક્સમાં એસ.આર.સર્વિસીસ નામનું કોલ સેન્ટર ધમધમે છે, જ્યાં નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. ઘટનાની ગંભીરતા સમજીને એસઓજીની ટીમે રેડ પાડી હતી,
જેમાં કર્મચારીઓનાં બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવાયાં હોવાનો પર્દાફાશ થયો છે. એસ.આર.સર્વિસીસ કોલ સેન્ટર વસ્ત્રાલમાં રહેતા સંદીપ પાંડેની માલિકીનું છે. બેન્કની રિકવરી તેમજ લોન રીકવરીનું કામ આ કોલ સેન્ટરમાં ચાલે છે. સંદીપ પાંડેના હાથ નીચે સંખ્યાબંધ કર્મચારીઓ કામ કરે છે, જેમને નોકરીએ રાખતાં પહેલાં પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે.
પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવાની પ્રોસિજર લાંબી અને જટિલ હોવાથી સંદીપ પાંડે જાતે જ બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપતો હતો. સંદીપ પાંડે તમામ કર્મચારીઓનાં ડોક્યુમેન્ટની ઝેરોક્સ લઇ લેતો હતો અને બાદમાં તે બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હતો.
ઓરિજનલ સર્ટિફિકેટ કર્મચારીને આપતો હતો જ્યારે ઝેરોક્સ કોપી પોતીની પાસે રાખતો હતો. સંદીપ પાંડેનાં કોલ સેન્ટરમાં બુધવારે ત્રાટકી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ ત્રાટકી હતી અને બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટનો પર્દાફાશ કર્યાે હતો.
રેડ દરમિયાનમાં સંદીપ પાંડે તેની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં જઇને એસઓજીની ટીમે પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સંદીપ પાંડેએ પહેલાં તો પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ સાચાં હોવાનું કહ્યું હતું પરંતુ એસઓજીની ટીમે તપાસ કરી તો તમામ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતું.