દિલ્હીમાં નકલી વીઝા રેકેટનો પર્દાફાશ: ૬ની ધરપકડ: 5000 નકલી વિઝા બનાવ્યા
પાંચ વર્ષમાં પ૦૦૦ નકલી વીઝા બનાવી રૂ.૩૦૦ કરોડની કમાણી
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન નકલી સ્વિડિ વિઝા પર ઈટાલી જઈ રહેલા હરિયાણાના સંદીપને બીજી સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવ્યો હતો.
તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના ગામના અનેક લોકોએ આવા નકલી વિઝા પર વિદેશની મુલાકાત લીધી હતી. સંદીપે આપેલી માહિતી પરથી દિલ્હીમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ચારથી પાંચ હજાર નકલી વિઝા ઈશ્યુ કરવામાં આવ્યા હતા અને ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. સંદીપે જણાવ્યું હતું કે, તેણે આસિફઅલી નામના એજન્ટ પાસેથી ૧૦ લાખ રૂપિયા ચૂકવીને નકલી વિઝા મેળવ્યા હતા.
આ માહિતી મળ્યા પછી પોલીસે આસિફઅલી અને તેના સાથીઓ શિવા ગૌતમ અને નવીન રાણાની ધરપકડ કરી હતી. શિવા ગૌતમે આપેલી માહિતીને આધારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે એજન્ટ બલબીરસિંહ અને જસવિંદરસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
આ બન્નેની પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે, દિલ્હીના તિલકનગર વિસ્તારમાં આવલા એક ફેકટરીમાં વિવિધ દેશોના નકલીક વિઝા બનાવવામાં આવતા હતા. આ ફેકટરીનું સંચાલન મનોજ મોંગા નામની વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તિલકનગરની આ ફેકટરીમાં દરોડા પાડીને મનોજ મોંગાની ધરપકડ કરી હતી. તે ગ્રાફિક ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. મનોજ પાંચ વર્ષ પહેલાં જયદીપસિંહ નામની વ્યક્તિને મળ્યો હતો અને તેણે નકલી વિઝા બનાવવામાં પોતાના ગ્રાફિક ડિઝાઈનના જ્ઞાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર તેઓ દર મહિને ૩૦થી ૬૦ વિઝા બનાવતા હતા અને માત્ર ર૦ મિનિટમાં વિઝા સ્ટીકર તૈયાર કરી દેતા હતા.
દરેક નકલી વિઝા ૮થી ૧૦ લાખ રૂપિયામાં વેચવામાં આવતા હતા. આ રેકેટમાં વાતચીત કરવા માટે ટેલિગ્રામ, સિંગ્નલ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ઈÂન્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉશા રંગરાનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૧૬ નેપાળી પાસપોર્ટ, બે ભારતીય પાસપોર્ટ, ૩૦ વિઝા સ્ટીકર્સ, ર૩ વિઝા સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે.