નકલી વિઝા રેકેટઃ અમદાવાદના એજન્ટને દિલ્હી પોલીસ ઉપાડી ગઈ
વિશાલની ગેંગ અલગ-અલગ સરકારી ઓફિસોમાંથી ગેરકાયદે રીતે વિઝા સ્ટીકર્સ મેળવી લેતી હતી
(એજન્સી)અમદાવાદ, લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે વિદેશ મોકલતા અમદાવાદના એક એજન્ટને દિલ્હી પોલીસ હાલમાં જ ઉઠાવી ગઈ હતી. આ એજન્ટની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદનો આ એજન્ટ પોતાની ગેંગ સાથે નકલી વિઝાનું રેકેટ ચલાવતો હતો. ૦૭ જુલાઈના રોજ માનવ તસ્કરીનો એક કેસ દિલ્હી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેની તપાસમાંઅમદાવાદના એજન્ટ વિશાલ બરમાટેનું નામ ખૂલ્યું હતું. વિશાલ અને તેની ગેંગ અમેરિકાના ફેક વિઝા પૂરા પાડતી હતી.
સૂત્રોનું માનીએ તો, અલગ-અલગ વિઝા સ્ટીકર્સ મેળવીને આ લોકો વિદેશ જવા માગતા વ્યક્તિના પાસપોર્ટ પર ચોંટાડી દેતા હતા. વિશાલ મુંબઈના કેટલાક લોકો સાથે મળીને કામ કરતો હતો. દિલ્હી પોલીસે ૧૮ ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. અમદાવાદ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિશાલની ગેંગ અલગ-અલગ સરકારી ઓફિસોમાંથી ગેરકાયદે રીતે વિઝા સ્ટીકર્સ મેળવી લેતી હતી. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, વિશાલે ઉત્તર ગુજરાતના કેટલાક લોકોને ફેક વિઝા પુરા પાડ્યા હતા.
આઈજીઆઈએરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ૦૭ જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ અનુસાર, એપ્રિલ-મે મહિનામાં ફેક ડોક્યુમેન્ટના આધારે વિદેશ ગયેલા ચાર લોકોની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય લોકો મહેસાણાના હતા.
જેમના નામ હર્ષદ પટેલ (ધોલાસણ), જતીન નાઈ (કડી), દિક્ષિત પટેલ (મોકાસણ) અને હિતેષ ત્રિવેદી (વિસનગર) હોવાનું ખૂલ્યું હતું. આ ચારેય લોકોને તુર્કીની સરકારે ડિપોર્ટ કરી દિલ્હી મોકલ્યા હતા. જેવા તેઓ એરપોર્ટ પર લેન્ડ થયા કે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. તુર્કીની સરકારે તમામ ફેક ડોક્યુમેન્ટના આધારે તુર્કીમાં પ્રવેશ્યા હોવાનું કારણ આપી તેમને ડિપોર્ટ કર્યા હતા.
નવાઈની વાત એ છે કે, ફેક ડોક્યુમેન્ટના આધારે તુર્કી પહોંચેલા આ ચારેય લોકોએ પોતાની ઓળખ ખલાસી તરીકે આપી હતી. સામાન્ય રીતે જહાજ પર કામ કરતા લોકોને વિઝાની જરુર નથી હોતી, કારણકે ક્રુઝ કંપની અને જે-તે દેશ વચ્ચે આ બાબતે કરાર થયેલા હોય છે.
તુર્કીથી પાછા મોકલાયેલા આ લોકોને દિલ્હી પોલીસે ઠગાઈ, બનાવટ તેમજ નકલી દસ્તાવેજાેને અસલી ગણાવવા સંબંધિત ગુના દાખલ કર્યા હતા. આ કેસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મૂળ અમદાવાદનો અને મુંબઈ રહેતો વ્યક્તિ પણ પોલીસને હાથ લાગ્યો છે. આ વ્યક્તિએ જ પોલીસને જણાવ્યું હતું કે મુંબઈના એજન્ટો પાસે વિઝા સ્ટીકર્સ છે, જેનો ઉપયોગ લોકોને ગેરકાયદે વિદેશ મોકલવા માટે થાય છે.