નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું નવું ગીત રિલીઝ
નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક નવું ગીત લઈને આવી ગયા છે. ફાલ્ગુની પાઠક વિના નવરાત્રી અધૂરી લાગે છે ત્યારે આ વખતે તેઓ ખેલૈયાઓ માટે ‘વાંસલડી’ ગીત લઈને આવ્યા છે.
જે નવરાત્રીના રંગમાં ચાર ચાંદ લગાવી દેશે. નવરાત્રીની ગુજરાતના લોકોની સાથે દેશ-વિદેશમાં વસતાં ભારતીયો આતુરતાથી રાહ જાેતા હોય છે. વિવિધ ગાયક કલાકારોના સૂર અને સંગીતના સથવારે ગરબે ઘૂમતાં ખેલૈયાઓ જ્યારે ફાલ્ગુની પાઠકનો અવાજ સાંભળે છે ત્યારે તેમનો જુસ્સો ઓર વધી જાય છે.
આવા જ ગરબા રસિકો માટે ફાલ્ગુની નવું ગીત લઈને આવ્યા છે અને તેની ઝલક ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે. પોતાના નવા ગીત વિશે વાત કરતાં ફાલ્ગુનીએ કહ્યું, “હું મારા ફેન્સના પ્રેમ માટે મ્યૂઝિક બનાવું છું. આ નવરાત્રીએ વાંસલડી મારા તરફથી તેમને ભેટ છે. મને આશા છે કે તેઓ મારા આ ગરબને લૂપમાં વગાડશે અને તેના પર અઢળક પ્રેમ વરસાવશે.
વિનોદ ભાનુશાળીએ કહ્યું, “ફાલ્ગુની પાઠકના ગીતો વિના નવરાત્રી અધૂરી છે. તેમના ગીતો આજે પણ સૌને યાદ છે. એક મ્યૂઝિક લેબલના રૂપે અમે ફેન્સને ગરબા કરવા માટે એક નવું ગીત આપવાનો પ્રયાસ કર્યો છે. વાંસલડી તેમના સંગીતના અસલી તારને દર્શાવે છે. તેઓ પોતાની સિગ્નેચર સ્ટાઈલ સાથે પોતીકાપણાની ભાવના દર્શાવે છે.
અમને વિશ્વાસ છે કે, તહેવારની સીઝનમાં આ ગીત ધૂમ મચાવશે. વિનોદ ભાનુશાળી દ્વારા નિર્મિત આ ગીતને ફાલ્ગુની પાઠકે શૈલ હાંડાની ટીમ સાથે મળીને તૈયાર કર્યું છે. શૈલે આ ગીતને કમ્પોઝ કર્યું છે અને ફાલ્ગુની સાથે મળીને ગાયું છે. ગીતના શબ્દો અશોક અંજામે લખ્યા છે. આ ગરબાના વિડીયોને જિગર સોની અને સુહરાદ સોનીએ કોરિયોગ્રાફ કર્યા છે.