પરિવાર ધાબા પર સુવા ગયો ને બે ઘરમાં ૩ લાખની મતા ચોરાઈ

અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા બે પરિવાર ધાબા પર સુવા ગયા હતા. ત્યારે ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને બન્ને ઘરના દરવાજા તોડી ૩ લાખથી વધુની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
આ મામલે કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ૩૭ વર્ષિય સતિષગીરી સુરેશગીરી ગોસ્વામી પરિવાર સાથે રહે છે અને ફૂલનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
૧૪મીના રોજ પોતાના એપાર્ટમેન્ટના ધાબા પર સુવા માટે ગયા હતા. ત્યારે તેમણે ઘરનો દરવાજો લોક કર્યાે હતો અને સવારે પાંચ વાગ્યે જાગી સતિષગીરી ઘર નીચે આવ્યા હતા.
ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. જેથી તેણે અંદર જઇ તપાસ કરતા તેમની તિજોરી પણ તુટેલી હતી અને તિજોરી સહિતની જગ્યાનો સર સામાન પણ અસ્ત વ્યસ્ત હતો.
ત્યારબાદ તેણે પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા તેઓ પણ નીચે આવી અને ઘરના સામાનની તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સોના, ચાંદીના જુદા જુદા દાગીના, મોબાઇલ અને રોકડ સહિત કુલ ૨.૧૭ લાખનો મુદ્દામાલ ગુમ હતો. જ્યારે તેમના જ ફ્લેટમાં રહેતા અનિલભાઇ બારાપાત્રેના ઘરે પણ કોઇએ મકાનનું લોક તોડી ચોરી કરી હતી.
જેમાં તેમના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૮૭ હજારની વસ્તુઓ ગુમ હતી. આ મામલે સતિષગીરીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS