જગતમાં આવ્યા પછી મનુષ્યજાત પ્રસિદ્ધિની મોહજાળમાં ફસાયા વિના રહે જ નહિ
લેખકો માટે તો ‘પ્રકાશકશરમણ્ વ્રજ’ જ યથા યોગ્ય ગણાય.
“વસ્ત્રો ફાડો, ઘડો ફોડો, સવારી રાસભની કરો;
ગમે તેમ કરી ભાઈ, પ્રસિદ્ધિ-સુંદરી વરો.”
પાણીમાંથી નીકળેલી માછલી જેમ તરફડ્યા વિના રહે નહિ તેમ, જગતમાં આવ્યા પછી મનુષ્યજાત પ્રસિદ્ધિની મોહજાળમાં ફસાયા વિના રહે જ નહિ. ઝીણાભાઈ, ઈશ્વરભાઈ કે પન્નાભાઈ અપ્રસિદ્ધિ રહી મૃત્યુ પામવાનું પસંદ કરે ? ‘હું જ્યાં રહું છું, ત્યાં મને કોઈ ઓળખે નહિ’ એવું બોલતાં કોઈ સંભળાતું નથી. એને બદલે ‘આપણને બધા ઓળખે, નામ પૂછજો ને ! બસ, બંગલા નંબરની જરૂર નથી.’ આનો અર્થ જ એ કે પોતે પ્રસિદ્ધ છે, અપ્રસિદ્ધ નથી.
આ પ્રમાણે જ, એક બે કરતાં કરતાં પચાસ લેખો, પચીસ વાર્તાઓ કે પચાસ કવિતાઓ લખવાનું કામ પુરું કર્યા પછી કોઈ પણ લેખક કે કવિ પુસ્તક પ્રસિદ્ધ કર્યા વિના રહે ખરો ? અલબત્ત આમ કરવા જતાં એને પ્રસૂતિ કરતાં પણ વધારે પીડા ભોગવવી પડે છે, પરંતુ એ સ્વાભાવિક જ ગણાય. પ્રસૂતિ આવવાની છે, તો દુઃખ પડવાનું જ છે એવી ગણતરી કરીને જેમ સ્ત્રીઓ ચાલે છે તેમ લેખકોએ ચાલવું જોઈએ. કારણ કે, મારા નમ્ર મત પ્રમાણે, ઉભય ક્રિયાઓ લગભગ સરખી છે, ઉલટું, લેખકને બે વાર પીડા ઉપડે છે. એક તો લખતી વખતે અને બીજી વાર પુસ્તકાકારે મૂકતી વખતે !
‘પ્રસિદ્ધિનો મોહ રાખ્યા વિના લેખકોએ તો લખ્યા જ કરવું જોઈએ’ એ સલાહ બોલવા પૂરતી સારી છે, પરંતુ પોતાને નામે ઓછામાં ઓછું એક પુસ્તક તો હોવું જ જોઈએ એવું લગભગ દરેક લખનારે વિચારી રાખ્યું હોય છે. બે ચાર વર્ષના લગ્નજીવન બાદ મનુષ્યની ઈચ્છા બાળક પ્રાપ્ત કરવાની થાય,
તેમ પાંચ-દસ વર્ષની લેખનપ્રવૃત્તિના પુરુષાર્થ બાદ પોતાના માનસ સંતાનરૂપ પુસ્તક મેળવવાની ઈચ્છા લેખકને ન થાય ? કેટલાક દસ વર્ષે પણ સંતાનપ્રાપ્તિ નથી ઈચ્છતા, અને પછી ઝંખના હોવા છતાં સંતાન પ્રાપ્ત થતું જ નથી. અને પુરુષાર્થ એળે જવાનો સંભવ ઉભો થાય છે. આ બાબતમાં બહુ વહેલું સારું નહિ, તેમ બહુ વિલંબ પણ સારો નહિ. જયારે થવું જોઈએ તે થવું જ જોઈએ.
મારા એક નવોદિત હાસ્યલેખકમિત્રનો હાસ્યાસ્પદ અનુભવ અત્રે રજૂ કરું છું. એમણે શઠ પ્રકાશકોથી બચવા જાતે જ સાહસ કરેલું. કાગળો ખરીદવા, પ્રેસમાં છાપકામના ભાવ નકકી કરવા, ચિત્ર ચિતરાવવું, પ્રૂફ જોવું અને પુસ્તક ખપાવવા જાહેરાત કરવી, આ બધું એમણે એકલા હાથે કર્યું.
આ ધંધો કરીને પુસ્તકની કિંમત પચાસ રૂપિયા રાખવાની હિંમત કરી, પડતર કિંમત વીસ રૂપિયા ! એ પુસ્તક વેચતાં એમનો દમ નીકળી ગયેલો.
મુંબઈના એક મુશાયરામાં આખો થેલો ભરી, જાતે ઉપાડી ત્યાં પહોંચી ગયેલા અને ટૂંકું ભાષણ કરી પ્રેક્ષકોના દિલને અસર કરવાથી પચાસ પ્રતો ફટોફટ ઉપડી ગયેલી. (અલબત્ત, પૈસા રોકડા મળેલા.) આમ ને આમ જો તેઓશ્રીએ ગાડીઓમાં, બસોમાં કે ફૂટપાથ પર ઉભા રહી ધંધો ચાલુ રાખ્યો હોત તો હજાર પ્રતો સહેજે ઉપડી ગઈ હોત. આ મહાશય આમ તો સુખી છે, પણ તેના જ પુસ્તકને જોઈને દુઃખી થઈ ગયેલા. ભારરૂપ પુત્રને જોઈ જેમ કોઈ પિતા દુઃખી થાય તેમ એમના હાસ્યલેખોએ ખુદ એમને જ હસતા બંધ કરી દીધેલા.
અંતે મહાશય પહોંચ્યા પ્રકાશકો પાસે, અને ખર્ચેલી મૂડી બંધ બેસાડવા બધી જ બાકી રહેલી પ્રતો મૂળ કિંમતે પધરાવી દીધી ત્યારે જ, નીકળી જવા આવેલો દમ ઓછો મેળવી ‘હાશ!’ કરીને પથારીમાં પડેલા (ઓઢ્યા વિના). આ પુસ્તકોને ઉધઈ ખાઈ ન જાય, વરસાદથી પલળે નહિ અને ઉંદર કાતરવા ન બેસી જાય એની અગમચેતી રાખીને આ ભલા આદમી રૂપિયા પાંચસોનું એક કબાટ પણ ઉંચકી લાવેલા.
એ જયારે વાળ કપાવવા ગયેલા ત્યારે એમની આ ધમધમતી પ્રવૃત્તિઓથી સુમાહિતગાર કેશકર્તનમંદિરના પૂજારીએ એમને કહેલું ઃ ‘સાહેબ, તમે ઘેર જાતે વાળ કાપો તે ન કપાય તેવું નથી, પણ અમારો હાથ ફરે તો ફેર પડે ! તેમ જેનું જે કામ તેને તે કરવા દેવું.’ એની સલાહ સોનેરી લાગતાં એ કાનની બૂટ પકડી ઉભા થયેલા- બીજો હાથ બોચિયે ફરતો હતો.
‘જોયું હળવી નજરે’ એનું નામ રાખી એક હાસ્ય-કટાક્ષ-વ્યંગના પચાસ લેખોનો સંગ્રહ મારે પ્રગટ કરવો હતો. એ માટે મેં વિવિધ પ્રકાશકો સાથે પત્રવ્યવહાર કરેલો, જેના ઉત્તરો નીચે આપું છું. એમ કરવાથી પ્રત્યેક નવોદિત લેખકનો એકાદ રૂપિયો બચાવવાનો મારો શુભાય છે. એમ કરવાથી મારા દેશના પોસ્ટખાતાને નુકસાનમાં ઉતરવું પડશે, પણ આ દુર્ભાગી દેશમાં એવો એક તો માણસ મને બતાવો, જે દેશને નુકસાનમાં ન ઉતારતો હોય ?
‘ભાઈશ્રી, આપનો પત્ર મળ્યો. આભાર આપ એપ્રિલના અધવચ્ચમાં રૂબરૂ મળશો, પછી વિચાર કરીશું. આપ કંઈ આર્થિક મદદ કરી શકશો તો
આપનાં પુસ્તકો છાપવાનું વિચારીશું. તમે બેત્રણ જાહેરાતો લાવી શકો તો ઉત્તમ. ખાનગીમાં જણાવું કે તમારા જેવા એક હાસ્યલેખકે એમનાં પહેલાં ત્રણ પુસ્તકોમાં જાહેરાતો લાવી આપેલી, ત્યારે જ મેં તે છાપેલાં. હવે તે હાસ્યલેખક સાહિત્યગગનમાં ચકરાવા લીધા કરે છે. વાત ખાનગી રાખશો.’
‘સ્નેહી ભાઈશ્રી, હાલ બજારમાં ટૂંકા લેખો, નવલિકાનું વેચાણ ખૂબ જ ઓછું મળે છે. ખૂબ જ ધીરજ માગે લે. લેખો, હળવા લેખો કે નવલિકા સંગ્રહોને બજારમાં મૂકતાં હિમ્મત ચાલતી નથી. થોડી જાહેરખબરો મળે તો બોજો હળવો થાય. પણ વારેઘડીએ પુસ્તકોમાં જા.ખ. પણ કોણ આપે ? છતાં તમે મળશો તો આનંદ થશે. સ્ક્રીપ્ટ જોયા પછી વિચારીશું.’
‘પ્રિય ભાઈશ્રી, આપના લેખોનો સંગ્રહ પુસ્તકરૂપે વેચવાનું મુશ્કેલ પડે. પ્રકાશકને અત્યારના મોંઘવારીના સમયમાં જે રોકાણ કરવું પડે તે પાછું પણ ન મળે, તો આપ અમારી અશક્તિ છે એમ. જાણી, નારાજ નહિ થાઓ તેમ માનું છું.’
‘ભાઈશ્રી, તમે પુસ્તક પ્રગટ કરવાનું લખો છો ખરા, પણ અત્યારે મને લાગતું નથી કે કોઈ છપાવી શકે. સમયનું પરિવર્તન પબ્લિશિંગ લાઈનમાં આવ્યું છે. તેમાં કોઈ પહોંચી શકે તો જુદી વાત છે. અત્યારે નવલકથા માત્ર છપાય છે. બીજો માલ બજારમાં જતો નથી. વાચકોનું ધોરણ જ જાણે સાવ ફરી ગયું છે.’ તમારું મેટર જોઈ જવાનું મન થાય છે, પણ અમારાં દસ-બાર મેટર જૂના કોન્ટ્રાકટરના છપાય છે. નવું કઈ કરી શકીએ તેમ નથી.
મનમાં રંજ થાય છે, પણ શું થાય ? તબિયતની કુશળતા ચાહું છું.’
‘ભાઈશ્રી, આપનો પત્ર મળેલ છે. એ બાબતમાં કંઈ પણ ન કરી શકવા બદલ અમો દિલગીર છીએ. અમે નવા લેખકોને લેતા નથી, પણ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનાં પુસ્તકો છાપવાનું જ અમે રાખ્યું છે. અમારા ધંધાની આ રીત છે. બેચાર પુસ્તકોં બીજે છપાયા પછી વિચાર કરીશું. એક વાર અમે જે લેખકને લઈએ છીએ તેની પાસે દર વર્ષે એક કે બે પુસ્તકોની માગણી કરીએ છીએ અને મળી રહે છે. કુશળ હશો.’
આ પત્રોમાં નગ્ન સત્ય છુપાયેલું છે. ઉપર્યુકત પત્રોના વાચન બાદ પ્રસિદ્ધિનો મોહ રાખતા નવોદિત લેખકોએ શું કરવું જોઈએ તે થોડું સમજાશે. જા.ખ. મેળવો કે પંદર હજાર રૂપિયા હાથમાં રાખો, (ભાવવધારાના આ જમાનામાં થોડા વધુ પણ માગે !)- બસ, પ્રકાશક તમારી સ્ક્રીપ્ટ વાંચવા પણ રોકાશે નહીં, બજારમાં મૂકી દેશે, સૂચિપત્રમાં તમારું નામ છપાશે, તમે લેખક બની બેસશો. લેખક તરીકે નામ નોંધાવવાની ફી રૂપિયા પંદર હજાર કે વધુ !
મારી એક પ્રકાશક સાથે રૂબરૂ થયેલી મુલાકાત પણ રસપ્રદ હોઈ અત્રે રજૂ કરવાની રજા લઉં છું.
‘આવો, સાહેબ !
‘એક કામે આવ્યો છું. મારું નામ..’
‘હા, બોલો, આપસાહેબની શી સેવા કરીએ? મેટર લાવ્યા છો? લાવો.’
‘જી.’ ‘તમારું, કોઈપુસ્તક પ્રગટ થયું છે? લેખો તો સારા છે, વિવિધતા પણ છે, પણ…’
‘આ મારું પ્રથમ જ પુસ્તક છે. ગુજરાતની પ્રજા કદરદાન છે, એટલે વેચવામાં વાંધો નહિ આવવા દે.’ શંકા આગળ વધે તે પહેલાં જ મેં કહી નાખ્યું.
‘સાહેબ, તમે માનશો ? અમારે પંદરથી ચાલીસ ટકા વચ્ચે કમિશન આપવું પડે છે. વાચનાલયોમાં જે અમારો માલ ઘુસાડે તેમનું પેટ પણ પૂરવું પડે છે. થોડી પ્રતો મફત આપવી પડે છે. ઉંદરોનો બગાડ, વખાર-ભાડું, મૂડીનું વ્યાજ – આ બધું ગણતરીમાં લેવું પડે છે અને નવા લેખકની પ્રતો તો લગભગ સાચવવાની રહે છે.
‘પણ તમે પુસ્તકની કિંમત પણ ક્યાં ઓછી રાખો છો?’
‘બજારમાં ઉભા રહેવું હોય તો એમ જ કરવું પડે. પડતર કિંમત કરતાં ચાર ગણી કિંમત રાખીએ તો જ મળતર રહે.’
‘પણ બિચારા લેખકને શું મળે ?’
‘કેમ, શું મળે ? એનું નામ ગામ અને ગામ બહાર, ખૂણેખાંચરે બધે જાણીતું થઈ જાય ! અને સરકાર કે સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી ઈનામ આપે તો તે અમે નથી લેતા, એના પર હક લેખકનો જ રહે તેવું લખાણ કરીશું.’
‘તમે જે લેખકને કશું ન આપો, ત્યાં સરકાર કે સાહિત્ય પરિષદ શું આપવાની હતી ?
‘શું લેશો – ચા કે ઠંડું?’
‘ઠંડો થઈ ગયો છું, માટે ચા ફાવશે.’
‘તમે રમૂજી છો.’
‘રમૂજી છું કે મૂજી છું, એ તો આપણી વાત પૂરી થયા પછી કહી શકાય.’
‘લો, સાહેબ, ચા પીઓ.’
‘બીજું, કેટલાક ખ્યાત વિવેચકો મને ઓળખે છે, મારા પુસ્તકનું સારું વિવેચન થાય તે હું જોઈશ, પછી વર્ષાંતે એક પણ પ્રત માગનારને મળશે નહીં, બીજી આવૃત્તિ તત્કાલ કરવી પડશે.’
‘તમે આ કહો છો ત્યારે મને હસવું આવ્યા વિના રહેતું નથી. બિચારા વિવેચકોએ વખાણ કર્યાં હોય અને સરકારે ઈનામો આપ્યા હોય તેવાં પુસ્તકો પણ પડી રહેલાં છે !’ ‘ક્યાં?’
‘વખારે, બીજે ક્યાં? સાહેબ સારાં
સિનેમા જેમ ચાલતાં નથી, તેમ સારા પુસ્તકો પણ ખપતાં નથી.’
‘ત્યારે લોકો શું વાંચે છે? કેવું વાંચે છે ?’
‘તો તમે ગુજરાતના લોકોને જ પૂછો ને ?
‘લોકોને પૂછવા તો ક્યાં જાઉં? પણ મારો વિચાર વિનાપ્રસિદ્ધિએ મરવાનો નથી, અને તમારી ચા પીધા પછી મારો મોહ ઓછો થનાર નથી.’
‘સારું, સ્ક્રીપ્ટ મૂકતા જાઓ, તમને રાજી કરીશું.’
શ્રીકૃષ્ણે તાંદૂલની પોટલી લગભગ ખૂંચવી લીધી ત્યારે, જેવી સુદામાની દશા થયેલી તેવી દશા મારી થઈ. શ્રીકૃષ્ણે તો સુદામાને અંધારામાં રાખી રાતોરાત કડિયા મોકલીને મેડીબંધ ઘર ચણાવી આપેલું. અદ્ભુત ભેજું ધરાવતા શ્રીકૃષ્ણે ગીતાજીમાં ભલે કહ્યું હોય કે, ‘મામેક્મ્ શરણમ્ વ્રજ’, પણ લેખકો માટે તો ‘પ્રકાશકશરમણ્ વ્રજ’ જ યથા યોગ્ય ગણાય. લેખકો માટે પ્રકાશક સ્વયં હાજરા હજૂર શ્રીકૃષ્ણ છે.