Western Times News

Gujarati News

સરદાર પટેલ વિદ્યાલય પાલમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

સુરત, પાલ ગામ હિંદુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ વિદ્યાલય, પાલમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અનોખી રીતે ઉજવાયો હતો. વિવિધ વેશ પરિધાનમાં પ્રફુલ્લિત રીતે કોઈ ઉત્સવ ઉજવવા આવ્યા હોય એમ વિદ્યાર્થીઓ સજીધજીને શાળાએ આવ્યા હતા. વિદાય સમારંભમાં પરીક્ષાલક્ષી પ્રેરણા અને માર્ગદર્શનનો કાર્યક્રમ પણ રખાયો હતો. સુમધુર અવાજમાં પ્રાર્થના રજૂ કરી શાળાની વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

શાળાનાં આચાર્ય દિનેશભાઈ પટેલે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી પરિચય કરાવ્યો હતો. જેમાં કાર્યક્રમનાં મુખ્ય મહેમાન શિક્ષણવિદ્‌ અને કવિ લેખક એવાં પ્રકાશભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાની સાથે સાચા માણસ બનવા માટેની કેળવણી કેવી હોય તેની વિગતવાર છણાવટ કરી વિદ્યાર્થીઓને પરીક્ષાનાં ભયથી મુક્ત કરવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરાવી હતી. એમણે જણાવ્યું હતું કે એક પરીક્ષા એ માત્ર એક પડાવ છે અને ત્યાંથી આપણે આગળ વધવાનું હોય છે એટલે ચિંતામુક્ત રીતે આ અનિવાર્ય પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું રહ્યું. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તથા પરીક્ષા સમયે આરોગ્યની જાળવણી રાખી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.

પ્રમુખ મનહરકાકા અને મહામંત્રી નિકુલભાઇ પટેલે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમય દરમિયાન માનસિક સ્વસ્થતા જાળવવા માટે ટિપ્સ ડોક્ટર નીતાબેન દ્વારા આપવામાં આવી હતી, એમણે વિદ્યાર્થીઓને માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે શું કરવું તેની વિગતે માહિતી આપી હતી. ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ પૈકી ગણિત વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કે. એન્ડ એમ.પી. હાઈસ્કૂલ,અમરોલીનાં ગણિત તજજ્ઞ શિક્ષક મુકેશભાઈ મેરાઈ દ્વારા ગણિત વિષય સરળતાથી સમજી શકાય એવી ચાવીઓ શીખવાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.