Western Times News

Gujarati News

ઓલપાડ તાલુકા પ્રાથમિક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઈ મોદીનો વિદાય સમારંભ યોજાયો

હાંસોટ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતાં ભૂપેન્દ્રભાઈ મોદી વય મર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અત્રેનાં તાલુકા પંચાયત ભવનનાં સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, શિક્ષક સંઘનાં હોદ્દેદારો, પ્રાથમિક શૈક્ષિક સંઘનાં જિલ્લાનાં મહામંત્રી નિલેશ પંડ્યા, શૈક્ષિક સંઘનાં ઓલપાડનાં અધ્યક્ષ નરેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટીનાં માજી સેક્રેટરી ઠાકોરભાઈ પટેલ સહિત સી.આર.સી. કો-ઓર્ડિનેટરો તથા કેન્દ્ર શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી પોતાનાં ઉદબોધનમાં ભૂપેન્દ્રભાઈ મોદીની વહીવટી કુશળતા, શિક્ષણ પ્રત્યેનો લગાવ તથા પારિવારિક ભાવનાની સરાહના કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ભૂપેન્દ્રભાઈ મોદી સાથેનાં પોતાનાં અંગત તથા પારિવારિક સંબંધોનો ઉલ્લેખ કરીને તેમની સેવાનાં કાર્યકાળ દરમિયાન થયેલાં ભાવસભર અનુભવોને વર્ણવી તેમનાં સુખમય નિવૃત્તિકાળ માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ વિદાય પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભૂપેન્દ્રભાઈ મોદીને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સત્કારવામાં આવ્યાં હતાં. સાથે જ તેમને સ્મૃતિ ભેટરૂપે સુવર્ણ મુદ્રા અર્પણ કરવામાં આવી હતી.

ઉપસ્થિત બી.આર.સી.પરિવાર તેમજ કેન્દ્રશિક્ષક ભાઈ-બહેનો દ્વારા પણ તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સન્માનવામાં આવ્યાં હતાં. આ તબક્કે સૌનો આભાર વ્યક્ત કરી ભૂપેન્દ્રભાઈ મોદી પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં ગદગદિત થયા હતાં. તેમણે એક શામ ગુરુ શિષ્ય કે નામ જેવાં ઉત્કૃષ્ટ કાર્યક્રમની પ્રશંસા સાથે તાલુકા પ્રાથમિક સંઘની નોંધનીય કામગીરીને બિરદાવી હતી.

આ સુચારુ આયોજનને સફળ બનાવવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આટોપી હતી. કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.