Western Times News

Gujarati News

ચાહકો સલીમ દુર્રાનીને મેચમાં સિક્સર મારવા ડિમાન્ડ કરતા ત્યારે તે સિક્સ મારતા

File

પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન -જામનગરમાં અંતિમ શ્વાસ લીધા.

તેઓ થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા અને રાજ્યને પોતાનું ઘર પણ બનાવ્યું હતું.

નવી દિલ્હી,  ભારતીય ક્રિકેટ જગત માટે રવિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું ૮૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. સલીમ દુર્રાનીએ ગુજરાતના જામનગરમાં અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. Farewell Salim Durani – India’s ace cricketer and pride of Gujarat.

તેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ સન્માન ૧૯૬૦માં મળ્યું હતું. સલીમ દુર્રાનીએ ભારત માટે ૨૯ ટેસ્ટ રમી હતી, જેમાં તેમણે એક સદી અને સાત ફિફ્ટીની મદદથી ૧૨૦૨ રન બનાવ્યા હતા. આની સાથે ૭૫ વિકેટ પણ લીધી હતી.

 

સલીમ દુર્રાનીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના દિવસે અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. જાે કે, ત્યારે તેમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં રહેવા ગયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે દુર્રાનીનો પરિવાર ભારતમાં સ્થળાંતર કરી ગયો હતો. ધીમે ધીમે સલીમનો ક્રિકેટમાં રસ વધતો ગયો.

સલીમને ૧૯૬૦-૭૦ના દાશકામાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ઓળખવામાં આવતા હતા. તેઓ ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાંના એક રહ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે પણ ચાહકો સલીમને મેચમાં સિક્સર મારવા માટે ડિમાન્ડ કરતા ત્યારે તે સિક્સ મારતા હતા. આ રીતે સલીમ ચાહકો માટે ખાસ બની ગયા હતા.

 

સલીમ દુર્રાનીએ ૧૯૬૧-૬૨માં ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક ૨-૦ શ્રેણી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઘણી વિકેટો લીધી હતી. ભારતે કોલકાતા અને મદ્રાસમાં બે ટેસ્ટ જીતી હતી. સલીમે કોલકાતા ટેસ્ટમાં આઠ અને મદ્રાસ ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી હતી.

આ સિવાય તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઐતિહાસિક પોર્ટ ઓફ સ્પેન મેચમાં પણ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં સલીમે મહાન બેટ્‌સમેન ક્લાઈવ લોઈડ અને સર ગારફિલ્ડ સોબર્સની વિકેટ લીધી હતી.

ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમણે ૩૩.૩૭ની એવરેજથી ૮,૫૪૫ રન બનાવ્યા હતા. જેમાં ૧૪ સદી સામેલ છે. તેઓ જ્યારે ફોર્મમા હોય ત્યારે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવતા હતા. જાેકે, બોલર તરીકે તેમણે પ્રથમ વખત ભારતીય ટીમ માટે રમીને પોતાની ઓળખ બનાવી હતી. સલીમને તેના ચાહકો સાથે પણ ખાસ સંબંધ હતો.

એકવાર તેમને કાનપુરમાં રમાયેલી મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવતાં ચાહકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ‘નો દુર્રાની, નો ટેસ્ટ!’ એવા બેનરો અને પ્લેકાર્ડ સાથે તે મેદાન પર પહોંચ્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં, સલીમ દુર્રાનીએ અઢી દાયકાની કારકિર્દી દરમિયાન ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સલીમે ૧૯૬૦માં મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ સિક્સર મારવા માટે વધુ પ્રખ્યાત હતા. સલીમ દુર્રાનીએ છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી ૧૯૭૩માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ સલીમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. તેમણે બોલિવૂડ ફિલ્મ ‘ચરિત્ર’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં સલીમની સાથે પરવીન બાબી હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિગ્ગજ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એક ટિ્‌વટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- સલીમ દુર્રાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, પોતાનામાં એક સંસ્થા હતા.

તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તે પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના મૃત્યુથી હું ઘણો દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. તેમની આત્માને શાંતિ મળે.

સલીમ દુર્રાનીનું ગુજરાત સાથે ખૂબ જૂનું અને મજબૂત જાેડાણ હોવાનું નોંધીને વડાપ્રધાને કહ્યું કે તેઓ થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા અને રાજ્યને પોતાનું ઘર પણ બનાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું- મને તેમની સાથે વાતચીત કરવાની તક મળી અને હું તેમના બહુઆયામી વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયો છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.