વૃક્ષના થડમાં,સિંગોમાં અને ફળોમાં રહેતી ઇયળોનું નિયંત્રણ એટલે અગ્નિસ્ત્ર

અગ્નિસ્ત્ર પ્રાકૃતિક ખેતી માટે જીવાત નિયંત્રણ માટે અક્ષય ઉપાય
અગ્નિસ્ત્ર એ કુદરતી રીતે જીવાત નિયંત્રણ માટે ખૂબ જ સારું દ્રાવણ છે, જેનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં જંતુનાશક તરીકે થાય છે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં તમામ પ્રકારની જંતુનાશકો અને ખાતરો ઘરે જ બનાવવામાં આવે છે. જેમાં અગ્નિસ્ત્ર નામનું દ્રાવણ ખૂબજ અસરકારક છે.
પ્રાકૃતિક ખેતીએ આત્મનિર્ભર ભારત બનાવવાના અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે ,કારણ કે સમગ્ર ભારતમાં લોકોનો એક મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે ,અને જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી આખો દેશ આત્મનિર્ભર બની શકશે નહીં.
પાકમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો અને કુદરતી દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારા સાથે જનહિતના આરોગ્યની પણ સાચવણી થાય છે..
અગ્નિસ્ત્ર દ્રાવણ માટે જરૂરી વસ્તુઓ
અગ્નિસ્ત્ર દ્રાવણ માટે ૨૦ લિટર દેશી ગાયનું મુત્ર,૫૦૦ ગ્રામ તીખા લીલા મરચાંની ચટણી,૫૦૦ ગ્રામ લસણની ચટણી,૦૧ કિલો ગ્રામ તંબાકુનો પાવડર અને ૦૫ કિલોગ્રામ લીંબડાના પાનની ચટણીનો ઉપયોગ થાય છે. અગ્નિસ્ત્ર બનાવવાના મુખ્ય વસ્તુઓ ખેડૂત ભાઈઓના ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય છે.
અગ્નિસ્ત્ર બનાવવાની રીત
અગ્નિસ્ત્ર બનાવવા માટે ૨૦ લિટર દેશી ગાયનું ગૌ મુત્ર લેવુ જેમાં ૫૦૦ ગ્રામ તીખા લીલા મરચાંની ચટણી,૫૦૦ ગ્રામ લસણની ચટણી,૦૫ કિલોગ્રામ લીંબડાના પાનની ચટણી અને ૦૧ કિલોગ્રામ તંબાકુના પાવડરની ચટણી ઉમેરી તેનું મિશ્રણ કરવાનું હોય છે.
આ મિશ્રણને લાકડી વડે બરાબર હલાવી ચારથી પાંચ ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરવાનું હોય છે.
આ ગરમ કરેલ મિશ્રણને ૪૮ કલાક સુધી ઠંડુ પાડી તેને કાપડ વડે ગાળીને પાત્રમાં સંગ્રહ કરી લેવાનું હોય છે આ સંગ્રહ કરેલું મિશ્રણ-દ્રાવણ એટલે અગ્નિસ્ત્ર
અગ્નિઅસ્ત્ર દ્રાવણનો ઉપયોગ કરવાની પદ્ધતિ
અગ્નિસ્ત્ર દ્રાવણનો ઉપયોગ મોટાભાગે પાક અને છોડના રસ ચૂસતા જંતુઓ, નાની ઈયળો અને મોટી ઈયળોના નિયંત્રણ માટે થાય છે.
અગ્નિસ્ત્ર દ્રાવણ વૃક્ષ ડાળીમાં રહેતા જંતુ, ફૂલમાં રહેતા જંતુ, ફાળોમાં રહેતા જંતુ, કપાસના જંતુ તેમજ તમામ પ્રકારના મોટા જંતુઓ અને ઈયળના નિયંત્રણ માટે ઉપયોગી દ્રાવણ છે.
આ દ્રાવણને ૧૦૦ લિટર પાણીમાં ૦૨ થી ૦૨.૫૦.લિટર અગ્નિસ્ત્ર ભેળવીને પાક પર છંટકાવ કરી શકાય છે. આ બનાવેલ અગ્નિસ્ત્ર ૦૩ મહિના સુધી સંગ્રહી શકાય છે