દિવેલાના પાકમાં જોવા મળતી ઈયળોના અસરકારક નિયંત્રણ માટે ખેડૂતોએ કેવાં પગલાં લેવાં
દિવેલામાં ઇયળોના લીધે પાકને નુકસાન થાય છે તેથી દિવેલાના પાકમાં જોવા મળતી ઇયળોના અસરકારક નિયંત્રણ માટે જિલ્લાના ખેડૂતોએ જરૂરી પગલાં લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
દિવેલાના પાકમાં વિવિધ જાતની ઇયળો જોવા મળે છે. આ ઇયળો થી પાકને નુકસાન ન થાય તે ધ્યાન રાખવું પણ જરૂરી બની રહે છે. વિવિધ જાતની ઇયળોથી દિવેલાના પાકને બચાવવા માટે નીચે મુજબના અસરકારક પગલાં લેવા.
દિવેલાના પાકમાં જોવા મળતી વિવિધ જાતની ઇયળો નીચે મુજબ છે.
ઘોડિયા ઈયળ ( સેમી લુપર ), ડોડવા કોરનારી ઈયળ, પાન ખાનારી ઈયળ, અને કાતરા ઈયળ.
ઉપરોક્ત ઈયળો જોવા મળે ત્યારે નીચે મુજબ સંકલિત નિયંત્રણ કરી શકાય
•દિવેલાની ઘોડિયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફુદીઓ પ્રકાશ તરફ આકર્ષય છે. તેથી ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને મોટી સંખ્યામાં કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણા કરીને નાશ કરી શકાય.
°કાતરા અને સપોડોપ્તેરાના ઈંડા અનુક્રમે શેઢા -પાળા ઉપર ઉગેળ ઘાસ અને દિવેલાંના પાનના જથ્થામાં મુકતા હોય છે. આથી પાંદડા વીણવાથી તેમની વસ્તીમાં ઘટાડો કરી શકાય. મોટા કદની ઘોડિયા ઈયળો અને લશકરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઇ નાશ કરવી.
• દિવેલાની ધોડિયા ઈયળ પર 27 પ્રકારના પરજીવિઓ નાભતા હોય છે. તેમાં ટ્રાયકોમાં,ચિલોનીસ, ટ્રાયકોગ્રામાં અકાઈ અને ટીલોનીમ્સસ્પી પરજીવી અગત્યની છે. ખેતરમાં ફુદીઓની હાજરી જણાતા ટ્રાયકોગ્રામાં નામની ભમરીઓ દર અઠવાડિયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે.
•બેસીલસ થુરેન્જીનસીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર 1 થી 1.5 કી.ગ્રા. જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ધોડિયા અને સ્પોડોપટેરાની ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો.
•સ્પોડોપટેરાનું ન્યુકિલર પોલિહેદ્રોસીસ વાયરસ 250 ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયલોમાં સારુ નિયંત્રણ મળે છે.
•ઘોડિયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે કીટકભક્ષી પક્ષીઓ મેના, વઇયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના 8 થી 10 ફૂટ લાંબા 30 થી 40 બેલાખડા પ્રતિ હેકટરે ખોડવા જોઈએ.
•દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ તથા પાન ખાનારી ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 ઇસી 20 મિલી અથવા કવિનાલફોસ 25 ઇસિ 20 મિલી અથવા ફેનવાલેરેટ 20 ઇસી 5 મિલી અથવા ડેલ્ટામેથરીન 2.8 ઇસિ 5 મિલી અથવા ક્લો્રાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસ.સી. 3.0 મિલી અથવા ઇન્દોકઝાકાર્બ 14.5 એસ.સી. 5.0 મિલી અથવા સ્પીનોસાદ 45એસ.સી 2.0 મી.લી. અથવા એમમેક્ટિન બેંઝોએટ 5 ડબ્લ્યુ.જી 4.0 ગ્રામ 10 લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.
• ડોડવા કોરનારી ઈયળ તેમજ કાતરાનો ઉપદ્રહ જણાય તો ક્લોરોપાયરિફોસ 20 ઇસિ 20 મિલી 10 લીટર પાણીમાં ઉમેરી 15 દિવસના અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
•ડોડવા કોરનારી ઈયળનો ઉપદ્રહ વધારે હોય તો ક્લોનાટ્રાનીલીપોલ 20 એસસી 3 મિલી અથવા ઈન્ડોકઝાકાર્બ 15.8 ઇસી 5 મિલી અથવા એમામેક્ટિન બેંન્ઝોએટ 5 ડબ્લ્યુ 4 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / કે.વી.કે / ખેતીવાડી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી /મદદનીશ ખેતી નિયામક /જિલ્લા ખેતીવાડી અધીકારી / નાયબ ખેતી નિયામક (વી )/નાયબ ખેતી નિયામક (તાલીમ ) અથવા કિશાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -18001801551 નો સંપર્ક કરવો તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવાંમાં આવ્યું છે.