ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવે: રાજ્યપાલ
પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથોસાથ માનવ કલ્યાણ અને દેશભક્તિનું ધર્મકાર્ય છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે એફ.પી.ઓ. નું માળખું વધુ સુદ્રઢ કરાશે
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના અને માર્કેટિંગ માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો-એફ.પી.ઓ.નું માળખું વધુ સુદ્રઢ કરાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર મેળવી શકે તે હેતુથી સર્ટિફિકેશનની પ્રક્રિયામાં સહયોગ કરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોની વિશ્વસનીયતા ઉભી થાય અને તેનું બ્રાન્ડીંગ થાય એ માટે પણ માર્ગદર્શન અપાશે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ એવી છે કે ખેડૂતો તેનું ઇચ્છિત મૂલ્ય મેળવી શકે છે.
ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, ગુજરાત સરકારના ‘આત્મા‘ પ્રભાગ અને પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજે રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એસ.પી.એન.એફ. – ટકાઉ અને પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયોજકો સાથેના રાજ્યકક્ષાના પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા કરવા પ્રમાણિક પ્રયાસો અને બમણી મહેનત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથોસાથ માનવ કલ્યાણ અને દેશભક્તિનું ધર્મકાર્ય છે. ભૂમિ, હવા, પાણી અને પ્રકૃતિની શુદ્ધતા માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પ્રાણીમાત્રનું કલ્યાણ કરનારી છે.
રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત, પ્રોત્સાહિત અને પ્રશિક્ષિત કરી રહેલા પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયોજકોને પંચસ્તરીય બાગાયતી ખેતી કરવાનો આગ્રહ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પંચસ્તરીય પદ્ધતિથી બાગાયતી પાકો લઈને ખેડૂત પોતાની આવકમાં અપાર વૃદ્ધિ કરી શકે છે. તેમણે ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની સાથેસાથ પશુપાલન કરવાની ભલામણ કરતાં કહ્યું હતું કે, દેશી ગાયના જતન-સંવર્ધનથી દૂધની આવક ઊભી થશે. સેક્સ શોર્ટેડ સિમેનથી વાછરડીનું જન્મ પ્રમાણ વધશે, પરિણામે દેશી ગાયની નસલ સુધરશે અને દૂધ ઉત્પાદન પણ વધશે. આમ પશુપાલનથી પણ આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે, દેશી ગાય વિના પ્રાકૃતિક ખેતી સંભવ જ નથી. દેશી ગાયના ગોબરમાં જમીનની ફળદ્રુપતા વધારનારા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ છે અને ગૌમુત્ર ખનીજનો ભંડાર છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને વિદેશમાંથી યુરિયા-ડીએપી ખરીદીએ છીએ અને તેના બદલે આપણી ધરતી માં ને ઝેર આપીએ છીએ, ધરતીમાં નાખેલું યુરિયા, ડીએપી કે જંતુનાશક ધરતી પોતાની પાસે નથી રાખતી. પરંતુ છોડ મારફત પાકમાં આપે છે, જે આપણે ખાઈએ છીએ અને પછી અનેક બીમારીઓનો ભોગ બનીએ છીએ. આજે ગાયના દૂધમાં પણ યુરિયા આવી રહ્યું છે.
રાજયપાલશ્રીએ જણાવ્યું કે, આ મિશન કોઈ ધર્મ, ભાષા કે સંપ્રદાયનું નહીં, પરંતુ માનવ કલ્યાણનું છે. ભોજન તમામને જોઈએ છે, સ્વસ્થ તમામને રહેવું છે. પાણી-હવા તમામને શુદ્ધ જોઈએ છે. આપણે આ દુનિયાની ભીડમાં વિલીન નથી થઈ જવું, આ દુનિયાથી અલગ ચાલવું છે, વિશ્વના કલ્યાણ માટે, માનવના કલ્યાણ માટે, શુદ્ધ પાણી અને જગતના કલ્યાણ માટે. કુદરતે આપણને શુદ્ધ હવા, પર્વતો, જંગલો, પાણી, જમીન આપ્યા છે, આપણી જવાબદારી છે તેને સાચવવાની.
એફપીઓના માધ્યમથી દરેક ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ કહી રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, આપણે એફપીઓને વધુ મજબુત બનાવવા જરૂરી છે. ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રોત્સાહન માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, તેમણે જણાવ્યું છે કે, આવનાર સમયમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું બજાર રૂપિયા 10 લાખ કરોડ સુધીનું થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા પાઠવતાં રાજયપાલશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ગાયોની સંખ્યા વધારવા સરકારે આવકારદાયક પગલું ભર્યું છે. વિદેશોમાં રૂપિયા 2000 થી 2200 માં મળતું સેક્સ શૉર્ટડ સિમન, હવે ગુજરાતમાં રૂપિયા 700 માં તૈયાર છે, જે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગાયને 50% વાછરડી અને 50% વાછરડા આવે છે, પરંતુ હવે ટ્રેક્ટર આવી જવાથી ખેતીમાં બળદનો ઉપયોગ નથી થતો. અને ગાય વધુ વાછરડી આપે તો આવકમાં પણ વધારો થાય.
રાજયપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોના કલ્યાણની વાત કરે છે અને કહે છે કે, પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરો. આપણે ખેડૂતોને સમૃદ્ધ બનાવીશું તો જ દેશ આત્મનિર્ભર બનશે. ખેડૂતો સુખી અને સમૃદ્ધ થવા જોઈએ, ધરતી અને પાણી બચવા જોઈએ.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટિમ્બડીયાએ આ ઝુંબેશના કારણે પ્રાકૃતિક કૃષિ જન જન સુધી પહોંચી છે, તેમ જણાવીને સૌ સંયોજકો-ખેડૂતોને આવકાર્યા હતા. પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી મહાત્મા પ્રફુલભાઈ સેંજલિયા એ કહ્યું કે, આ વર્ષે અતિ વરસાદના કારણે ઉત્પાદન ક્ષમતા ઘટી છે અને મજૂરી ખર્ચ વધ્યો છે. આ તમામથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. એસ.પી.એન.એફ. સંગઠનના મહામંત્રી શ્રી દીક્ષિત પટેલે આભાર વિધિ કરી હતી. રાજયપાલશ્રીના હસ્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડૉ. વી.બી. ઉસદડિયાનું તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક શ્રી પી.ડી.પલસાણા, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી સંકેત જોશી, કૃષિ-આત્માના અધિકારીઓ, એસ.પી.એન.એફ. સંગઠનના ઝોન – જિલ્લા – તાલુકા સંયોજકો, માસ્ટર ટ્રેઇનર્સ જોડાયા હતા.