Western Times News

Gujarati News

ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈઃ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ચિંતા વધી

ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધુ હોવાથી મગરો પણ બહાર આવ્યા હોવાનું અનુમાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી થતાં આમોદ તાલુકા તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવધ કરાયા છે.તેમજ નદીની જળસ્તર સપાટીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.તેમજ નદીનું પાણી ખેતરોમાં ફરી વળતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાય હતા.

આ ઉપરાંત ઢાઢર નદીમાં મગરોનું પણ પ્રમાણ વધુ હોવાથી મગરો પણ બહાર આવ્યા હોવાનું અનુમાન થઈ રહ્યું છે.તેમજ ઢાઢર નદીમાં જંગલી ન્હારી વેલનો પણ જમાવડો થયો હોય તંત્ર દ્વારા વેલને હટાવવા લોકમાંગ કરવામાં આવી છે કારણ કે વેલને કારણે પાણી અવરોધતા આસપાસની ખેતીને વધુ નુકશાન થવાની ભીતિ ખેડૂતો દર્શાવી રહ્યા છે.

હાલ ઢાઢર નદી ૧૦૦ ફૂટની સપાટીએ વહી રહી છે.જે તેની ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે.ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના આઠ ગામો પુરસા, કાંકરિયા, વાડિયા, કોબલા, વાસણા, મંજાેલા, રાણીપુરા,દાદાપોર, સહિતના ગામોને સાવધ કરાયા છે તેમજ જે તે ગામના તલાટીઓને ગામના હાજર રહી આગોતરુંઆયોજન કરવા સૂચના આપવામાં આવી છે. માનસંગ પુરા ગામના ૧૮ વ્યક્તિઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું પરંતુ ૮ વ્યક્તિઓ બીજા દિવસે પરત જતી રહી.

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ૧૦૦ ફૂટ ઉપર બે કાંઠે વહી રહી છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા કાંકરિયા ગામ પાસે આવેલા માનસંગપુરા ગામમાં નદીના પાણી ઘુસી જતાં સલામતીના ભાગરૂપે ગામના ૧૮ વ્યક્તિઓનું કાંકરિયા ગામ ખાતે શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

જેમાં કાંકરિયા ગામના સરપંચ મનીષાબેન પ્રવીણ ઠાકોર દ્વારા એક દિવસ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ તંત્ર દ્વારા બીજા દિવસે કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા ૧૮ માંથી ૮ વ્યક્તિઓ ગામમાં પરત જતી રહી હતી.તેમજ બીજા લોકો સંબંધીઓના ઘરે રોકાયા હતાં. જે બાબતે ગામના સરપંચે તંત્રને રિપોર્ટ પણ કરી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી માનસંગપુરા ગામમાં ફરી વળતા નદીમાં વસવાટ કરતા મગરો પણ ખેતરોમાં ફરતા થઈ જતાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આમોદ તાલુકાના મછાસરા ગામમાં ભારે વરસાદથી પાણી ઘરમાં ઘુસી જતાં ૫૦ કુટુંબોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જે બાબતે તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.