ખેડૂતની બનાવટી પાવર ઓફ એર્ટની અને સહીઓ કરી જમીન હડપવાનું કૌભાંડ
કલોલના વાયણા ગામની જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ -ખેડુતની જમીન હડપ કરવાનું કાવતરુ, ખેડાના શખ્સ સામે ફરિયાદ
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાયણા ગામના ખેડૂતની જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂતની બનાવટી પાવર ઓફ એર્ટની અને સહીઓ કરી જમીન વેચાણનો દસ્તાવેજ કર્યો હતો ત્યારે વયોવૃધ્ધ ખેડુત ખેડાના ચાંદભાઈ અલ્લારખાભાઈ રાઠોડ સામે સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ ગાંધીનગર જિલ્લામાં જમીનના ભાવમાં ઉછાળો જાેવા મળ્યો છે ત્યારથી ભુમાફિયા સક્રિય થઈ ગયા છે. ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે કાવાદાવા કરતા હોય છે ત્યારે કલોલના વાયણા ગામે પણ વયોવૃદ્ધ ખેડુતની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે.
વાયણા ગામના ૭૦ વર્ષિય ચેહરાજી ભલાજી ઠાકોર પરિવાર સાથે રહીને ખેતીકામ કરે છે. ખેડૂતને સંતાનમાં બે દિકરા તેમજ એક દિકરી છે. વાયણા ગામની સીમમાં ખાતા નં.પ૯૩માં આવેલ બ્લોક-સર્વે નં.૩૭૮, બ્લોક સર્વે નં.૪૦૩, સર્વે નં. ૭૯૦ તમામ જમીન જુની શરતની છે, અનેહાલ પણ રેવન્યુ રેકર્ડ ખાતે ખેડૂતનું નામ ચાલી રહ્યું છે.
ત્યારે ગત તા.૯ એપ્રિલના રોજ ખેડૂતને સ્ટેમ્પ ડયુટીમાંથી પત્ર આવ્યો હતો જેમાં તમારી ઉપરોકત જમીનની પાવર ઓફ એર્ટની આધારે દસ્તાવેજ થયો છે. જે અંગે તમારે સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે. જેથી ખેડુતે નોટીસના જવાબમાં આજદીન સુધી કોઈને જમીન વેચાણ કરી નથી કે પાવર ઓફ એર્ટની કરી આપેલ નથી તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ ખેડૂતે તમામ દસ્તાવેજની નકલ મેળવી હતી જેથી ખેડૂતને જાણ થઈ કે તમામ જમીન જુની શરતની છે અને તે જમીનનો જનરલ પાવર ઓફ એર્ટની તા.૧૩.૩.૧૯ના રોજ રૂ.૧૦૦ સ્ટેમ્પ પર રાઠોડ ચાંદભાઈ અલ્લારખાભાઈ (રહે. શાંતિનગર સોસાયટી ખેડા)એ ખોટી સહીઓ અને બનાવટી પાવર ઉભો કર્યો હતો જેથી ખેડુતે ખેડાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.