ભારે વરસાદના લીધે નુકશાની સહન કરનારા ખેડૂતને સહાય ચૂકવાશે
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં હૈયાધારણ આપી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને તેના લીધે ખેડૂતોને જ્યાં પણ નુકસાન થયું છે તેમને સહાય ચૂકવાશે.
વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના ૧૬ તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂનોના પાકને થયેલ નુકશાન સામે રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમે તે અંગે પ્રશ્ન કર્યો હતો.
તેના જવાબમાં માનનીય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયું છે ત્યાં તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કર્યો છે, સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, સર્વે બાદ જે કેસમાં ખેડૂતને ૩૩% થી વધારે નુકશાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૮,૫૦૦ ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે.
આ ઉપરાંત માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે ખાતરી આપી હતી કે એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણોથી પણ વધારે સહાયની જરૂર જણાશે તો સરકાર તે મુજબ સહાય આપવા માટે તૈયાર છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાન થયેલ છે તે ખેડૂતોને રાજ્ય સરકારે ઉદાર હાથે સહાય આપવાની તૈયારી દર્શાવી છે.
જે માટે હું માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું.અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં જે કાયમી ધોરણે પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને ઝડપથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તેના કારણે દર વર્ષે ચોમાસામાં જે નુકસાન થાય છે તેને નિવારવા માટે ગત વર્ષે હું જ્યારે વિપક્ષનો સભ્ય હતો ત્યારે પણ રજૂઆત કરી હતી
અને તે વખતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ માનનીય જળસંપત્તિ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. તે પછી માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સેકોન પ્રા.લી. નામની રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપનીને સ્થિતિનો અભ્યાસ કરીને તેના ઉકેલો સૂચવવા અંગેનો અહેવાલ તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી.
આ કામગીરી અંતિમ તબક્કામા છે.એકાદ બે મહિનામાં આ અહેવાલ સુપરત થઈ જાય તેના આધારે જે કંઈ નદીઓ, ઉંડી પહોળી કરવાની કામગીરી, કેનાલો બનાવવાની છે અને નદીઓના મુખ પહોંળા કરવાના છે અને એ ઉપરાંત જે પાણી સંગ્રહ સહિતની યોજનાઓ કાર્યરત થશે તો ઘેડ વિસ્તારની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.