અમદાવાદના 3 તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું.
આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈની જોડીએ દેશના નાગરિકોને સુ-રાજ્ય ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. દેશના આ બે સપૂતોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે, એ દેશ અને દુનિયાને બતાવ્યું છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે એક જ દિવસમાં રૂપિયા 700 કરોડથી વધુના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે.
આ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત થકી આ વિસ્તારના 40 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠાના વિસ્તારોના 39 ગામોમાં સિંચાઈ સુવિધાના ₹402 કરોડના કામનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. pic.twitter.com/EyGksJGkgr
— CMO Gujarat (@CMOGuj) February 13, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે ખેડૂતોને પાણી મળી રહે એ માટે રૂ. 402 કરોડના ખર્ચે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને આ કામ પૂર્ણ થવાથી આ નળકાંઠા વિસ્તારના ૩૯ ગામોને નર્મદાનું પાણી મળતું થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના લોકાર્પણની વાત કરતા કહ્યું કે, 10મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1.32 લાખ જેટલા પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કર્યું અને 10 લાખ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ- ઔડા દ્વારા સાણંદ ખાતે રૂપિયા 83.81 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા 756 ઇ.ડબલ્યુ.એસ આવાસનો ડ્રો સંપન્ન થયો છે.
અમિત શાહના સંસદીય વિસ્તારમાં થયેલાં વિકાસ કામોની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેવાડાના માનવી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય કે પછી રોડ, રસ્તા જેવા કોઈપણ પ્રજાલક્ષી કામ હોય શ્રી અમિત શાહે હંમેશાં દરેક કામને પ્રાધાન્ય આપીને સમયસર તેને પૂર્ણ કર્યું છે. આખા દેશનું ધ્યાન રાખવાની સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણ અનુરૂપ કુલ 23,000થી પણ વધુના વિકાસ કામોની ભેટ નાગરિકો તેમજ ગ્રામજનોને આપી છે.
આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વાફેક છે. એટલું જ નહીં વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે ત્યારે આવા સંજોગોમાં વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે એવી અપીલ પણ ગ્રામજનોને કરી હતી. આ સાથે ગાંધીનગર લોકસભા દેશની સર્વશ્રેષ્ઠ લોકસભા બને એ દિશામાં તમામ કામો થઈ રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નળકાંઠાના છેવાડાના ગામોને નર્મદા કમાન્ડમાં સમાવેશ કરી પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા આપવા માટે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે.
આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળવાથી અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠાના કુલ 39 જેટલા ગામોને લાભ મળશે. જેમાં અંદાજે કુલ 35000 હેકટરમાં સાણંદ તાલુકાના 14 ગામો, બાવળા તાલુકાના 12 ગામો અને વિરમગામ તાલુકાના 13 ગામોનો સમાવેશ થાય છે.