ઝઘડિયાના 4 ગામના ખેડૂતોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો
વાવાઝોડા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતાં અને ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતો રોષે ભરાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા વીજ કંપનીના તાબા હેઠળ આવતા રાણીપુરા, ઉચેડિયા, નાનાસાંજા, ગોવાલી, મુલદ, બોરીદરા,ખરચી, સરદારપુરા, ઉટીયા,ગુમાનપુરા, કપલસાડી, ફુલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા રહે છે.
જ્યોતિગામ યોજના હેઠળ રહેણાંક વિસ્તારના વીજ ગ્રાહકો તથા એગ્રીકલ્ચર વિભાગના ખેડૂત વીજ ગ્રાહકોને કાયમ સામાન્ય પવન ફૂંકાતો હોય ત્યારે અથવા વરસાદ બાદ વીજ પુરવઠો યથાવત કરતા અઠવાડિયાઓ અને મહિનાઓ લાગી જતા હોય છે.જેના કારણે ખેડૂતોએ વીજ કંપનીના ભરોસે કરેલ પિયત ખેતીમાં ભારે નુકસાન થતું હોય છે.
ગત તારીખ ૧૩ મીના રાત્રે મીની વાવાઝોડું આવ્યું જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઈનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ જણાવ્યું હતું. જ્યોતિગામ વીજ પુરવઠો તો ૨૪ કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો.પરંતુ આજે વાવાઝોડું ગયાને છ દિવસ બાદ પણ ઉચેડિયા,નાનાસાજાં, ગોવાલી અને મુલદ ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી
આપવામાં ક્યાંકને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસથી તેમના ઉભા પાકને ૪૦ થી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઈ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે.ઉભા કેળના થડીયા જમીનદોસ થઈ રહ્યા છે.ગરમીના કારણે અને પાકને એક બુંદ પણ પાણીનુ નહી મળતા પાકનો વિકાસ અટકી પડયો છે
અને છતા પાણીએ વિજ પુરવઠાના અભાવે પાક ખેડૂતની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે.વીજ પુરવઠા નહી હોવાના કારણે નવું વાવેતર કરી શકાયુ નથી,આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા.જેથી ઉચેડિયા,નાનાસાંજા,ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા
અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી.આ બાબતે ઝઘડિયાના નાયબ ઈજનેર દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.