Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના ખેડૂતો ખેતરમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી વિવિધ દ્રવ્યોનો છંટકાવ કરાવી શકશે

પ્રતિકાત્મક

ડ્રોનથી પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરિયા, જૈવિક ખાતર વગેરેનો છંટકાવ કરવા માગતા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી સેવા મેળવી શકશે

અમદાવાદ જિલ્લાના ખેડૂતોની ૧૦,૭૭૦ એકર જમીન પર છંટકાવ હેતુ રૂ ૫૩.૮૫ લાખની જોગવાઈ

ખેતીમાં આધુનિકીકરણ અને ઝડપ વધારવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ‘ડ્રોન દીદી’ યોજના અમલમાં લાવી છે. જે અંતર્ગત ડ્રોન દ્વારા સ્પ્રે તથા અન્ય કામગીરી કરવા માટે સખીમંડળની બહેનોને તાલીમ તેમજ ડ્રોનની ખરીદી માટે સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વિરમગામ ખાતે કુલ -૪, સાણંદ, બાવળા તથા ધોળકા તાલુકા ખાતે એક-એક એમ મળી કુલ ૭ આંતરપ્રિન્યોર્સને ઇફકો દ્વારા તાલીમબદ્ધ કરીને ડ્રોનની ફાળવણી કરવામાં આવી છે. Farmers of Ahmedabad district will be able to spray various substances in the field with the help of drone technology

ઉલ્લેખનીય છે કે, કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ કરવાથી મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે. તેમજ ઓછા પાણીએ મહત્તમ અને એક સરખી રીતે વધુ ઝડપથી એકમ વિસ્તારમાં સ્પ્રે કરી શકાય છે. આ ઉપરાંત પાકને અનુરૂપ દ્રવ્યોને છાંટવાની અન્ય રીતની સાપેક્ષમાં ડ્રોનથી છંટકાવ માટે ઓછો જથ્થો વપરાય છે. અને સરવાળે પાક સંરક્ષણ દવા, નેનો યુરીયા કે ડીએપી તથા જીવામૃતની બચત થાય છે. સાથોસાથ છંટકાવની અન્ય રીત કરતાં ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.

આમ, ડ્રોન દ્વારા સ્પ્રે કરવાથી ખેતી ખર્ચમા ઘટાડો અને ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. આ બાબતને ધ્યાને લઇ કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી, કૃષિ ક્ષેત્રે વર્ષ ૨૦૨૪-૨૫ માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવા માટે રાજ્ય સરકાર  ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. જે અન્વયે અમદાવાદ જિલ્લાના ખેડૂતો કૃષિ ડ્રોન દ્વારા સ્પ્રે કરી શકે તે માટે કુલ ૧૦,૭૭૦ એકર જમીન માટે કુલ રૂ ૫૩.૮૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે તારીખ ૦૩/૦૭/૨૦૨૪થી આઇ – ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં, ડ્રોનથી પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરિયા, જૈવિક ખાતર વગેરેનો છંટકાવ કરવા માગતા ખેડૂતોને કૃષિ વિભાગના આઇ ખેડૂત પોર્ટલ પર  અરજી કરી શકે છે.

આ યોજના અન્વયે ખેડૂતોને નેનો યુરીયા/પાક સંરક્ષણ રસાયણ/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરના છંટકાવ માટે છંટકાવની મજૂરી માટે કુલ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦૦/- બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ તથા ખેડૂતને ખાતાની જમીન ધારકતાની મર્યાદામાં વધુમાં વધુ ૫ એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

નેનો યુરીયા/પાક સંરક્ષણ રસાયણ/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતર માટેનો ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેશે/જાતે ખરીદી કરવાની રહેશે. આમ આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે તમામ ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારાઅનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી અર્થે ખેડૂતો ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તથા ખેતીવાડી શાખાનો સંપર્ક કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.