Western Times News

Gujarati News

સુરસાગર ડેરીના પશુપાલકોને ઘરે બેઠા દૂધના નાણાં મળશે

સુરસાગર ડેરી દ્વારા દેશમાં પ્રથમ ડિજિટલ પશુ લોનનો પ્રારંભ

સુરેન્દ્રનગર, સમગ્ર ભારતમાં સૌપ્રથમ સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી વઢવાણ થકી ડિજિટલ પશુ લોનનો શુભારંભ સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડના હસ્તે કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની દૂધ ગંગા અને ઝાલાવાડની જીવાદોરી સમાન સુરસાગર ડેરી વઢવાણની કંપની ફેડરલ બૅન્ક તેમજ આણંદની એક કંપની દ્વારા પશુપાલકોને ઘર બેઠા દૂધના નાણા મળે, સમય અને નાણાનો બચાવ થાય તથા મંડળીઓને ખોટા ટી.ડી.એસ. કપાત ન થાય તે હેતુથી બૅન્કિંગ સગવડ ઊભી કરવામાં આવી છે.

ડીજી કંપની મારફત જિલ્લાના પશુપાલકો માટે ડિજિટલ લોન (પશુ લોન)ની વિશેષ સગવડ ઊભી કરાઈ છે. જેના માધ્યમથી કોઈપણ જાતના પેપરની જરૂર પડતી નથી. મોબાઈલ મારફત ગણતરીની મિનિટોમાં જ લોન મંજૂર થઈ જાય છે.

આ સગવડ દેશમાં સૌપ્રથમ સુરસાગર ડેરીમાં શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે જમીન વિકાસના ચેરમેન મંગળસિંહ પરમાર, ડિરેક્ટર નરેશભાઈ મારૂ, ડિરેક્ટર વેલસીભાઈ પઢાર, પૂર્વ ડિરેક્ટેર ગેલાભાઈ ચાવડા, છગનભાઈ વસવેલિયા, દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર ગુરૂજીતસિંગ, વૃદ્ધિ કંપનીના સીઈઓ વેકટેશન રાઘવન, ફેડરલ બૅન્કના મનોજકુમાર તેમજ બહોળી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

વૃદ્ધિ કંપનીના બિઝનેસ ડેવલોપર મેનેજર પ્રવીણભાઈ દેસાઈએ ડી.જી. વૃદ્ધિની સવિસ્તાર માહિતી આપી, વેકનટેશન રાઘવને ડિજિટલ પશુ લોન વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ૭ પશુપાલકોને ડિજિટલ લોનની રકમ જમા આપી અને ડિજિટલ પશુ લોનનો પ્રારંભ કરાયો.

૯ દૂધ મંડળીના સંચાલકોને અભિવાદન કરાયું.જિલ્લાના ૫૦ કિલોમીટર દૂર રહેતા ૪૦૦ લોકોની વસ્તી ધરાવતા છેવાડાના ગામડાને પણ પશુ લોનનો લાભ મળશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૦૦ દૂધ મંડળીમાંથી ૧૪૫ દૂધ મંડળી દ્વારા પશુઓની લોન મળી છે. આભારવિધિ પ્રોક્યોરમેન્ટ વિભાગના વડા વનરાજસિંહ ચાવડાએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.