Western Times News

Gujarati News

રાજ્યભરમાં ખેડૂતો પાસેથી તુવેર, ચણા, રાયડાની ટેકાના આ ભાવે ખરીદી થશે

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય-ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી એક માસ માટે રાજ્યભરમાં નોંધણી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

રાજ્યમાં તુવેર પાક માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ તેમજ રાયડાની ૧૦૩ ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદી થશે-રાજ્યભરમાં 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે

Ø ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિ. રૂા.૬૬૦૦, ચણાની પ્રતિ ક્વિ.રૂા.૫૩૩૫ તેમજ રાયડાની પ્રતિ ક્વિ. રૂા.૫૪૫૦ના ટેકાના ભાવે ખરીદી કરાશે

Ø યોજના હેઠળ ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તા.૦૧ ફેબ્રુઆરી- ૨૦૨૩થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું.

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

કૃષિમંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના ૧૩૫ ખરીદ કેન્દ્રો, ચણાના ૧૮૭ ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના ૧૦૩ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તા.૧૦ માર્ચ-૨૦૨૩ થી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણા નો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૬,૬૦૦, એટલે કે પ્રતિ મણ રૂા.૧,૩૨૦, ચણા માટે પ્રતિ ક્વિ. રૂા.૫,૩૩૫ એટલે કે પ્રતિ મણ રૂા.૧,૦૬૭ તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૫,૪૫૦ એટલે કે પ્રતિ મણ રૂા. ૧,૦૯૦નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે કહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.