ખેડૂત મતદારોનું વલણ નિર્ણાયક પરિબળ બનશે
ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોઈપણ પક્ષ માટે ખેડૂત વર્ગનું વલણ મહત્ત્વનું થઈ રહેશે. ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ૪૦ લાખથી વધુ છે. અંદાજે એક કરોડ જેટલા ખેડૂત પરિવારના મતદારો થવા જાય છે. જેમનું મતદાન પરિણામમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂત વર્ગ તેમની મોટાપાયે તરફેણ કરશે તેવી આશા છે. તો ભાજપ માટે શહેરી વિસ્તારો ગઢ સમાન રહ્યા છે અને નુકસાન થાય તો પણ ઓછું થાય છે તે સંજાેગોમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનું વલણ મહત્ત્વનું થાય છે.
સૌરાષ્ટ્રમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને જે ફટકો પડ્યો હતો તેમાં ખેડૂત વર્ગની નારાજગી પણ મુખ્ય હતી.જાે કે આ વખતે સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે કુલ ૬૩૦ કરોડનું બજેટ જાહેર કરીને ભાજપ દ્વારા ગત ચૂંટણીના ડેમેજ કંટ્રોલ કરવા સંપૂર્ણ પ્રયાસ કરાયો છે.
ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન છેલ્લા કેટલાક વર્ષોથી પાક વિમાની ચૂકવણીનો રહ્યો છે. તે સાથે કૃષિ ઉપજના ભાવ ખુલ્લા બજારમાં ઘટી જાય તો સરકાર દ્વારા ટેકાના ભાવ તે જણસ લેવા માટે જાહેર થાય છે કે નહીં તે બાબતે પણ ઘણી વખત અસંતોષ રહેતો હોય છે.
દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા સામે ઓછા ભાવનો મુદ્દો વિતેલા વર્ષોમાં મહત્ત્વનો રહ્યો હતો. તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે સમાન વીજ દરનો પ્રશ્ન મહત્ત્વનો છે. આ માટે કિસાન સંઘના આંદોલન બાદ સરકારે કમિટી રચીને તેને ઉખેલવાની ખાતરી આપીને હાલ પૂરતી ખેડૂત વર્ગને હૈયાધારણ આપી છે.
સૌરાષ્ટ્રમાં મુખ્ય પ્રશ્ન વાવાઝોડા અને અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થાય તેની સામે અપાતી રાહત વળતરનો રહ્યો છે. ભૂતકાળમાં મોડુ કે ઓછુ વળતર અપાયાની બૂમ પડતી હતી. જાે કે ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને કુલ ૮૯ બેઠકોમાંથી ૪૭ બેઠક જ મળી હતી.