સામાન્ય ખેડૂતમાંથી પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર બન્યા વાંચ ગામના રમેશભાઈ
વાંચ ગામના રમેશભાઈને મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો સાથ ઃ બાગાયત અને કૃષિ વિભાગના ચોક્કસ માર્ગદર્શન અને સહાય થકી એવોર્ડ અને નામના મળી ઃ- રમેશભાઈ
(માહિતી) અમદાવાદ, રાજ્યમાં ગરીબ, પછાત, ગ્રામ્યજનો તથા છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય તથા કેન્દ્ર સરકારની અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. વિવિધ યોજનાઓના સુચારું સંચાલન થકી યોજનાકીય લાભો આજે સીધા જ ગરીબોના હાથમાં પહોંચી રહ્યાં છે, જેના લીધે ગરીબોના જીવનમાં ખરાં અર્થમાં ઉજાસ પથરાયા છે.
વાંચ ગામના રમેશભાઈ આવા જ એક લાભાર્થી છે. જેમણે સરકારની યોજનાઓના લાભો થકી પ્રાકૃતિક ખેતી અને બાગાયતી કૃષિમાં કાઠું કાઢ્યું છે. પીએમ કિસાન નિધિ, આઇ ખેડૂત મોબાઈલ સહાય, આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોથી રમેશભાઈનું જીવનનિર્વાહ સરળ બન્યું છે.
સરકારની સહાય થકી સામાન્ય ખેડૂતમાંથી પ્રાકૃતિક કૃષિના ટ્રેનર બનવા સુધીની પોતાની સફર અંગે વાત કરતાં રમેશભાઈ જણાવે છે કે, ત્રણ વર્ષથી પ્રાકૃતિક બાગાયત ખેતીમાં મને ફાલસા અને સીતાફળની ખેતીમાં કૃષિ અને બાગાયત વિભાગની સહાય અને માર્ગદર્શન મળ્યા. પીએમ કિસાન નિધિ યોજના થકી પણ મને ૬૦૦૦ રૂપિયા સહાય મળે છે.
આઈ ખેડૂત મોબાઈલ સહાય થકી મને મોબાઈલ ખરીદી માટે સહાય મળી છે. મોબાઈલ દ્વારા હું પ્રાકૃતિક અને બાગાયતી ખેતીની નવી પદ્ધતિઓ અને અન્ય બાબતો અંગે ત્વરિત માર્ગદર્શન મેળવી શકીશ. રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ આયુષ્માન કાર્ડ થકી સ્વાસ્થ્ય સંબંધિત આવનારી સંભવિત ગંભીર બીમારીઓ સામે પણ સુરક્ષા કવચ મારા પરિવારને મળેલું છે.
વધુમાં જણાવતાં રમેશભાઈ કહે છે કે, આત્મા પ્રોજેક્ટ તરફથી મને ફાર્મર ફ્રેન્ડ તરીકે નીમવામાં આવ્યો છે. બાવળા ખાતે ૭ દિવસીય સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ અંગે તાલીમ લીધા બાદ મને માસ્ટર ટ્રેનર નીમવામાં આવ્યો છે. આજુબાજુનાં ૧૧ જેટલાં ગામોમાં હું પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડું છું.
આત્મા પ્રોજેકટ સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સારી કામગીરી કરવા બદલ મને તાલુકા અને જિલ્લા કક્ષાએ એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. આમ, સરકારની સહાય અને માર્ગદર્શન થકી જીવનનિર્વાહમાં તો મદદ મળી જ છે. સાથોસાથ માન સમ્માન પણ મળ્યાં છે.