શિયાળાને હૂંફાળો બનાવતા ફેશનેબલ ડ્રેસ
છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં હળવી હળવી ટાઢક શરૂ થઈ ગઈ છે. ભલે શિયાળાએ હજી ચમકારો નથી બતાવ્યો. પણ પરસેવે રેબઝેબ કરતી ગરમીમાંથી છુટકારો મળી ગયો છે.
શરીરને આહ્લાદક લાગે એવી ઠંડી શરૂ થતાં જ લોકો સ્વેટર અને કોટ ખરીદવા માંડ્યા છે. શું તમે પણ ગરમ કપડાં ખરીદવા જઈ રહ્યાં છો ? તો થોભો, જાડા જાડા કોટ, સ્વેટર કે શાલ ખરીદવાને બદલે હળવા-હલકાં- સુંદર ડિઝાઈનર અને ફેશનેબલ ગરમ-કપડાં કહેવા હોય તેના વિશેની નિષ્ણાતોએ આપેલી માહિતી પર એક નજર નાખી લો.
નિષ્ણાતો કહે છે કે વધારે પડતી ટાઢ હોય ત્યારે બબ્બે સ્વેટર કે શાલનો ઉપયોગ કર્યા પછી પણ અંદરથી કંપારી છુટ્યા કરતી હોય છે તો પછી ગરમ કપડાંની શરૂઆત આંતરવસ્ત્રોથી જ કરવી સલાહભરી ન ગણાય?
ગ્રીષ્મ ઋતુમાં તમે કોટનના બ્રા-પેન્ટી પહેરવાનું પસંદ કરો તે સ્વાભાવિક છે. પણ શિયાળામાં સિલ્ક, શાર્ટિન કે અન્ય કોઈ સિન્થેટિકમટિરિયલમાંથી બનાવેલા આંતરવસ્ત્રો પહેરો. તેને કારણે તમને અંદરથી જ ગરમાવો મળશે અને બહારથી બબ્બે સ્વેટર પહેરવાની જરૂર નહીં પડે.
શિયાળામાં સરસ મઝાના સ્વેટર પહેરવાની તક ચૂકવા જેવી નથી હોતી. તમે તમારા મનગમતા રંગ અને ડિઝાઈનના સ્વેટર ખરીદી શકો છો. રાઉન્ડ કે ‘વી’ નેક, હાઈનેક જેવી ઘણી પેટર્નમાંથી તમને ગમતી પેટર્નનું સ્વીેટર ચૂંટી લો. વળી આજની તારીખમાં બજારમાં જે ગરમ કપડાં મળે છે તે પ્રમાણમાં પાતળા છતાં વધુ ગરમ હોય છે. આખી બાંયના ગરમ સ્વેટર જીન્સ અને શોર્ટ ટી-શર્ટ પર ખૂબ શોભે છે.
વળી આવા સ્વેટર તમારી ગરદન, છાતી, પીઠ કે હાથ જેવા ખુલ્લા ભાગોને હૂંફ આપે છે. જાે તમે તમારા વસ્ત્રોની ઉપર સ્વેટર પહેરવા ન માગતા હો તો એવા થર્મોવેર પણ બજારમાં ઉપલબ્ધ છે જે તમે બાહ્ય વસ્ત્રોની અંદર પહેરો તો ખબર પણ ન પડે, આમ છતાં હુંફ અચૂક મળે. સામાન્ય રીતે આપણે ચામડાના જૂતાં પહેરીએ છીએ.
પણ ઘણાં લોકો ચામડાના જેકેટ પહેરતાં જાેવા મળે છે. તમે લેધરની એકસેસરીમાં કાંઈક વધારો કરી શકો છો. જેમ કે શિયાળામાં લેધરનું સ્કર્ટ પહેરો. ઘુંટણ સુધીની લંબાઈનું સ્કર્ટ તમને સ્માર્ટ લૂક આપશે વળી આવા સ્કર્ટ સાથે તમે હાઈ બૂટ પહેરેશો તો લોકો તમને તાકી રહેશે. હા, લેધરના સ્કર્ટ સાથે ચામડાના હાઈ શૂઝ પહેરવાની ભૂલ ન કરવી.
આ સીઝનમાં એડીની ત્વચા ફાટી જાય છે અને ચહેરા, હાથ-પગ-પીઠની ત્વચા સુકાઈને તરડાઈ જાય છે તેથી ખુલ્લી ચંપલ કરતા બૂટ પહેરવાનું સલાહભર્યું છે. એ લાઈન સ્કર્ટ સાથે લેધરના ઘુંટણ સુધી આવતા બુટ ખૂબ સુંદર લાગે છે. વળી આવા શુઝને કારણે પગ કે એડીની તરડાયેલી ફાટી ગયેલી- ચીરા પડેલી ત્વચા ઢંકાઈ જાય છે. એટલું જ નહીં, પગને ગરમાવો પણ મળે છે.
ઠંડીની ઋતુમાં ટાઈટ કપડા પહેરવાનું વધુ ગમે. તેથી આ સિઝનમાં સ્ક્રીન ટાઈટ જીન્સ પહેરવાનો મોકો ચૂકવા જેવો નથી. વળી સ્વેટર પહેરવું હોય તોય સ્કીની જીન્સ વધુ સારી લાગે. તેનું કારણ એ છે કે સ્વેટર અથવા કોટ તમારા નિયમિત ટોપ જેટલા કે તેનાથી પણ વધારે ઢીલા હોવાના આની સાથે લુઝ પેન્ટ કરતા સ્કીન ટાઈટ જીન્સ જ વધુ શોભશે. વળી તે ત્વચાને ચોંટી જાય એટલી ટાઈટ હશે તોય તમને અકળામણનો અનુભવ નહીં થાય.
શિયાળાના દિવસોમાં સ્કાર્ફ એક અચ્છી એકસેસરીની ગરજ સારે છે તમે કોઈપણ પોશાક સાથે મિકસ એન્ડ મેચ કરી શકાય એવા જુદાં જુદા રંગના બે-પાંચ સ્કાર્ટ લઈ રાખો.
તૈયાર થયા પછી તમે તમારા પરિધાનના રંગ મુજબનું સ્કાર્ટ ગળા ફરતે વીંટાળી દો. તમે ચાહો તો તેને વિવિધ સ્ટાઈલમાં પણ પહેરી શકો છો. હળવા રંગના પોશાક સાથે ઘેરા રંગનો સ્કાર્ફ, પ્લેન ડ્રેસ સાથે પ્રિન્ટેડ સ્કાર્ફ, પ્રિન્ટેડ ડ્રેસ સાથે પ્લેન સ્કાર્ફ, ટાઈટ ડ્રેસ સાથે મુકેલો સ્કાર્ફ તેમ જ સિલ્ક, શાટિન, નાઈલોન, વૂલ જેવા મટિરીયલમાં મળતા સ્કાર્ફ તમને આકર્ષક લુક આપશે.
જાે તમે ઠંડીની ઋતુમાં રાત્રે ફરવા નીકળતા હો, પાર્ટીમાં જતા હો, દિવસ દરમિયાન શોપિંગ કરવા જતા હો કે પછી દરિયાકિનારે પિકનિક મનાવવા જતા હો તો તમારા માટે બેન્ડેના, એટલે કે માથે સ્કાર્ફ બાંધવાનું સ્ટાઈલિશ બની રહેશે. તેમાંય જાે આ સ્કાર્ફ સિલ્કનું હશે તો અત્યંત આકર્ષક લાગશે. તમે તેને માથા પર વિવિધ સ્ટાઈલમાં બાંધીને વધુ આકર્ષક દેખાઈ શકો છો.