મોરબીમાં બિલ્ડર પર જીવલેણ હુમલો: ત્રણ ગોળીઓ ધરબી દેવાઈ

વડોદરા, મોરબીમાં એક બિલ્ડર પર અજાણ્યા શખ્સે ગોળી મારીને જીવલેણ હુમલો કર્યાે છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ બિલ્ડરને રાજકોટ ખસેડાયા છે.
આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મોરબીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર તરુણભાઈ ઉર્ફે ગોપાલ હંસરાજભાઈ ગામી પર મોટા દહીંસરા ગામ નજીક ત્રણ ગોળીઓ છોડવામાં આવી હતી. આ મામલે તરુણભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના સંબંધી ભીખાભાઈ પટેલની પેપર મિલમાં મળવા ગયા હતા.
પરત ફરતી વખતે તેઓ જીઈબીના પાવર હાઉસ પાસે કારમાં બેઠા હતા. આ દરમિયાન લાલ શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો.શરૂઆતમાં આ શખ્સે તરુણને ગાળો આપવાનું શરૂ કર્યું. તરુણે તેને ગાળો બોલવાની ના પાડતાં જ આ શખ્સે તમંચામાંથી ત્રણ ગોળીઓ છોડી હતી. ગોળીઓ તરુણના ડોકના પાછળના ભાગમાં, ડાબા ગાલ પર અને માથામાં વાગી હતી.
ગંભીર ઈજાઓ છતાં તરુણે પોતાની કાર ચલાવી અને રસ્તામાં તેમના મિત્ર સંજય દોશીને ફોન કર્યાે હતો. પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.SS1MS