Western Times News

Gujarati News

બોગસ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવવા જતા પિતા-પુત્રી પકડાયા

સુરત, સુરતમાં બોગસ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા પિતા અને પુત્રી પકડાયા છે. કતારગામમાં રહેતી અને UPSCની તૈયારી કરી રહેલી ૨૫ વર્ષીય યુવતીએ બક્ષીપંચનું પ્રમાણપત્ર મુકી મદદનીશ ઇજનેર-સિવિલ-વર્ગ-૨ની સીધી ભરતીમાં સરકારી નોકરીનો લાભ લેવા માટે તરકટ રચ્યુ હતું. ફોર્મ સાથે રજૂ કરેલા ડોક્યુમેન્ટ વેરીફાઇ કરતા પિતાનો બક્ષીપંચનો દાખલ બોગસ હોવાનું સામે આવ્યું હતું.

આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. ફરિયાદના આધારે પોલીસે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. જો કે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યા બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ કરશે. રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે.

પોલીસે કહ્યું કે, રેખા ખટીક નામની યુવતીએ તા. ૩૦-૫-૨૦૧૬માં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા તા.૩૧-૩-૨૦૧૬નું શારદા વિદ્યામંદિર સિંગણપોરનું લિવિંગ સર્ટીફિકિટ રજૂ કર્યુ હતું.

તેના પિતાના આધાર તરીકે જુની તરેડ પ્રાથમિક શાળા, મહુવા, ભાવનગરનું વર્ષ ૨૦૦૮નું તા.૧૬-૭-૨૦૦૮નું લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. આ બંને પ્રમાણપત્રોના આધારે કચેરીએ ગત તા. ૩૦-૫-૨૦૧૬એ હિંદુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇશ્યુ કર્યુ હતું.

રેખા ખટીકે વર્ષ ૨૦૨૩-૨૪માં નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-૨ની સીધી ભરતી સંદર્ભ ફોર્મ સાથે જાતિના પ્રમાણપત્રની નકલ મુકી હતી. રેખાના બક્ષીપંચના દાખલા અને તેના પિતાની લિવિંગ સર્ટિફિકેટની ખરાઇ કરાતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે બંનેના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.