પોતાના વ્હાલસોયા 17 વર્ષના દીકરાના અંગોનું દાન કરીને પિતા “શ્રવણ” બન્યા !
નવરાત્રીની પુર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં અંગદાન-૧૭ વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાને માનવતાની આહલેક પ્રસરાવી
બે કિડનીનું દાન મળ્યું -૧૭ વર્ષના યુવકનું અંગદાન પ્રેરણારૂપ – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી
માં અંબાની ભક્તિના સૌથી મોટા પર્વ નવરાત્રીની પુર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૬ મું અંગદાન થયું છે. ખોરજના ૧૭ વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
૧૦ મી ઓક્ટોબરના રોજ થયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં પૃથ્વીરાજસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
૧૭ વર્ષના આ યુવાનની સઘન સારવાર હાથ ધરવામાં આવી.ચાર દિવસની સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહના પિતા શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણાથી પ્રેરાઈને તેમણે પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કરીને અન્યના જીવનમાં આહલેક પ્રસરવાનો નિર્ણય કર્યો.
અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે , સિવિલ હોસ્પિટલમાં ૧૭ વર્ષના યુવકના અંગદાને બે લોકોને નવી જિંદગી આપી છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૩૭ અંગો મળ્યાં છે.જેના થકી ૪૨૦ જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.