પૂજાપાનો સામાન તળાવમાં પધરાવવા ગયેલા પિતા- પુત્રીના પાણીમાં ડૂબી જવાથી મોત
તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરી પિતા- પુત્રીના મૃતદેહ બહાર કઢાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા થી અંદાજે ૭ કિ.મી ના અંતરે આવેલા ભામૈયા પશ્ચિમ ગામે ઘરમાં કરાયેલ પૂજા વિધિનો પૂજાપાનો સામાન તળાવમાં પધરાવવા માટે પિતા પુત્રી સવારના અંદાજે ૧૧ કલાકે તળાવના કિનારે ગયા હતા.
એમાં ૨૨ વર્ષની વ્હાલસોયી દીકરી પ્રજ્ઞાબેન ઠાકોર પૂજાપાનો સામાન તળાવના પાણીમાં પધરાવવા માટે પાણીમાં ઊતરી અને ઉડા ખાડામાં ગરકાવ થઈ ગઈ કે તળાવ કિનારે પગ લપસતા પાણીમાં પડી કારણ ગમે તે હોય પરંતુ દીકરી પ્રજ્ઞાબેન ને તળાવના પાણીમાં ડૂબી જોઈને પપ્પા મને બચાવોની મરણ ચીસો સાંભળતા વેંત કિનારે ઉભેલા પિતા બળવંતસિંહ ઠાકોરે તળાવના પાણીમાં ઝંપલાવ્યું હતું
જો કે ભામૈયા પશ્ચિમના ગોજારા તળાવના પાણીમાં પડેલા પિતા અને પુત્રીનું ડૂબી જવાથી મોત થતા સમગ્ર પંથકમાં ઘેરા શોક ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.
ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે આવેલા તળાવમાં ડૂબી જતાં પિતા અને પુત્રીના કરુણ મૃત્યુ નિપજ્યા હતા, નાનકડા ગામમાં કરુણ ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે આવેલા ઠાકોર ફળિયામાં રહેતા પ્રજ્ઞાબેન બળવંતસિંહ ઠાકોર નામની ૨૨ વર્ષીય યુવતી રવિવારે સવારે ૧૧ કલાકે પોતાના પિતા બળવંતસિંહ ઠાકોર સાથે ભામૈયા પશ્ચિમ ગામે આવેલા તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગઈ હતી,
પ્રજ્ઞાબેન ઠાકોર સામાન પધરાવવા માટે તળાવના પાણીમાં ઉતરી હતી, જે દરમ્યાન પ્રજ્ઞાબેનનો પગ તળાવમાં રહેલા ઊંડા ખાડામાં પડતા પ્રજ્ઞાબેન પાણીમાં ડૂબવા લાગ્યા હતા
જેને લઇને બહાર રહેલા બળવંતસિંહ ઠાકોર પણ પોતાની ડૂબતી પુત્રીને બચાવવા માટે તળાવ તરફ ગયા હતા અને પુત્રીને બચાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો, જેમાં પ્રજ્ઞાબેન તો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જ ગયા હતા, પરંતુ બળવંતસિંહ ઠાકોર પણ તળાવના ઊંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા,
જેથી ડૂબતા પિતાપુત્રીએ બચાવવા માટે બૂમરાણ કરી હતી, પરંતુ કોઈ બચાવવા આવે તે પહેલાં જ ઊંડા પાણીમાં ડૂબી જતાં પિતાપુત્રીને કાળ ભરખી ગયો હતો, આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા, અને તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરતાં પિતાપુત્રીના માત્ર મૃતદેહો હાથ લાગ્યા હતા,
આમ ૨૨ વર્ષીય આશાસ્પદ પુત્રી અને ૫૦ વર્ષીય પિતાના મૃત્યુને પગલે નાનકડા એવા ભામૈયા પશ્ચિમ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી,
બંને મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટના સંદર્ભે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.