રૂંદેલ પાસે ફોર વ્હીલરે એક્ટીવાને ટક્કર મારતા પિતા-પુત્રીના મોત
આણંદ, બોરસદ તાલુકાના રૂંદેલ ગામની શરણાકુઈ પ્રાથમિક શાળા પાસે આજે સવારના સુમારે રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલરના ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં પિતા-પુત્રીના મોત થયા હતા જ્યારે માતા-પુત્રીની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ અંગે બોરસદ રૂરલ પોલીસે ફોર વ્હીલરના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. મળતી વિગતો અનુસાર ઝારોલા ગામે રહેતા અને પશુપાલન તેમજ ખેતમજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા કિરણભાઈ ભીખાભાઈ જાદવ આજે સવારના સુમારે દાવોલ મુકામે શાકની સામાજિક વિધિમાં જવા માટે પોતાની પત્ની નિશાબેન, પુત્રી જીયા (ઉ. વ. ૫)પુત્રી દેવાંશી (ઉ. વ. ૨.૫)ને પોતાના એક્ટીવા નંબર જીજે-૨૩, ડીએક્સ-૭૦૬૬ ઉપર બેસાડીને જવા નીકળ્યા હતા.
પોણા અગિયાર વાગ્યાના સુમારે તેઓ રૂંદેલ ગામની શરણાકુઈ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલર નંબર જીજે-૦૫, જેએફ-૦૬૬૨એ જાેરદાર ટક્કર મારતાં ચારેય રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. જેમાં જીયાને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે કિરણભાઈ, નિશાબેન અને દેવાંશીને પણ માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.
ધડાકાભેર અકસ્માત થતાં જ આસપાસના રહીશો, રાહદારીઓ તેમજ વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન તેમજ પોલીસને ઘટનાની જાણકરતાં તેઓ પણ તુરંત જ આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જતાં હતા ત્યારે રસ્તામાં કિરણભાઈનું અવસાન થયું હતુ.