પુત્રવધૂના માનસીક ત્રાસથી સસરાએ આપઘાત કર્યો
બ્યુટી પાર્લરનુંકામ બંધ કરાવી દેતાં પુત્રવધૂએ સાસરિયાં પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું
અમદાવાદ, નારોલમાં પુત્રવધૂના અસહ્ય ત્રાસથી કંટાળીને સસરાએ આપઘાત કર્યો હોવાની ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પરિણીતાના બ્યુટી પાર્લરનું કામ બંધ કરાવી દેતાં તેણે ઘરમાં કકળાટ શરૂ કરી દીધો હતો. પરિણીતાએ એટલી હદે ત્રાસ ગુજાર્યો કે તેના દિયર અને દેરાણી ઘર છોડીને બીજે રહેવા માટે જતા રહ્યા હતા.
તે તેના પતિ ઉપરપણ હુમલો કરતી હતી. પરિણીતાએ પતિને નખ મારીને લોહીલુહાણ કરતાં તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિણીતાએ ઘરમાં ગણેશ સ્થાપના કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો અને દેરાણીનું સીમંત કરવાની પણ ના પાડી દીધી હતી. પરિણીતાએ એટલી હદે ત્રાસ ગુજાર્યો કે સસરાએ પહેલાં સ્યુસાઈડ નોટ લખી ત્યાર બાદ એસિડ પીને આપઘાત કરી લીધો.
નારોલ વિસ્તારમાં આવેલા આર્યમાન હાઈટ્સમાં રહેતા જિજ્ઞેશ વાઘેલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પત્ની મીનાક્ષી ઉર્ફે પિન્કી વાઘેલા વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. જિજ્ઞેશ રિક્ષા હંકારીને ગુજરાન ચલાવે છે. જિજ્ઞેશ પત્ની મીનાક્ષી, પિતા દશરથભધાઈ, માતા લતાબહેન અને ભાઈ પ્રકાશ સાથે ખોખરા ગામમાં રહેતો હતો.
બે વર્ષ પહેલાં જ તે સંયુક્ત પરિવાર સાથે આર્યમાન હાઈટ્સ ખાતે રહેવા આવ્યા છે. જિજ્ઞેશના પિતા ઈશરથભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. જિજ્ઞેશના લગ્ન કૃષ્ણનગર ખાતે રહેતી મીનાક્ષી સાથે વર્ષ ર૦૦૯માં સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. જિજ્ઞેશ અને મીનાક્ષીને ત્રણ દીકરીઓ છે.
મીનાક્ષી બ્યુટી પાર્લરનું કામ કરતી હતી જેથી તે થોડા સમય પહેલાં જિજ્ઞેશ તેમજ ઘરના સભ્યોને કહ્યા વગર સુરત ઓર્ડરમાં જતી રહી હતી. ઓર્ડરમાં ગયા બાદ જિજ્ઞેશે તા.૧પ માર્ચથી તેનું બ્યુટી પાર્લર બંધ કરાવી દીધું હતું. બ્યુટી પાર્લર બંધ થઈ જતાંની સાથે જ મીનાક્ષીએ ઘરકામ અને જમવાનું બનાવવા જેવી બાબતોને લઈ ઘરમાં ઝઘડા શરૂ કરી દીધા હતા. મીનાક્ષી સાસુ-સસરા તેમજ પતિ અને દિયરનું માન રાખ્યા વગર જેમફાવે તેમ બોલતી હતી.
આટલેથી નહીં અટકતા મીનાક્ષીએ જિજ્ઞેશ ઉપર ઘરમાં હુમલો પણ કર્યો હતો અને નખ મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. જિજ્ઞેશને નખ વાગતાં તેણે એલ.જી.હોસ્પિટલમાં સારવાર પણ કરાવી હતી. મીનાક્ષી કહ્યામાં ના રહી અને તેણે જિજ્ઞેશને હડધૂત કરવાનું શરૂ કરી દીધું હતું અને ઘરમાં કોઈની વાત માનતી ન હતી. ૧૪ જુલાઈના રોજ જિજ્ઞેશ માતા-પિતા સાથે કાકા શકરાભાઈની ખબર પૂછવા માટે ખોખરા ગયા હતા. ખબર કાઢીને તે પરત આવ્યા ત્યારે મીનાક્ષીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.
જિજ્ઞેશે દરવાજો ખખડાવ્યો પરંતુ મીનાક્ષીએ નહીં ખોલતાં અંતે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસની ટીમ આવી જતાં મીનાક્ષીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો. મીનાક્ષીના ત્રાસથી પતિ જિજ્ઞેશ, લતાબહેન, દશરથભાઈ, પ્રકાશ અને તેની પત્ની કંટાળી ગયા હતા. મીનાક્ષીના કારણે પ્રકાશ તેની પત્નીને લઈ સીટીએમ ખાતે તેના મોટા ભાઈના ઘરે રહેવા માટે જતો રહ્યો હતો. મીનાક્ષી તેના સાસુ-સસરાને વધારે હેરાન કરતી હતી. ૪ સપ્ટેમ્બરના દિવસે દશરથભાઈએ મીનાક્ષીના માતા-પિતાને લાંભા મંદિર ખાતે મીટિંગ કરવા માટે બોલાવ્યા હતા.
મીનાક્ષીએ સમાજના આગેવાનો સમક્ષ જણાવ્યું હતું કે, મારે આ બધા સાથે રહેવું નથી, એકલા રહેવું છે. જિજ્ઞેશે મીનાક્ષીને સમજાવી હતી અને એક મહિનો સારી રીતે રહ્યા બાદ અલગ રહેવાની બાંહેધરી આપી હતી. જિજ્ઞેશની વાત સાંભળીને મીનાક્ષીએ જીદ પકડી હતી કે મારે ત્રણ દિવસમાં અલગ રહેવા જવાનું છે. અહા સાથે સમાજના આગેવાનો સામમે મીનાક્ષીએ કહ્યું હતું કે, ઘરમાં કોઈ ગણપતિની સ્થાપના કરવાની નથી અને દેરાણી વર્ષાનું સીમંત પણ હું આ ઘરમાં નહીં કરવા દઉં.
મીનાક્ષીની ધમકીથી કંટાળીને દશરથભાઈએ અજુગતું પગલું ભરવાની તૈયારી બતાવી દીધી હતી. મીનાક્ષીના ત્રાસના કારણે જિજ્ઞેશ તેમજ દશરથભાઈ સહિતના લોકોએ તેના મોટા ભાઈ કિરણના ઘરમાં ગણપતિની સ્થાપના કરી હતી. જિજ્ઞેશ સહિતના લોકો કિરણના ઘરે ગણપતિન દર્શન કરીને પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવી ગયા બાદ જિજ્ઞેશ પત્ની મીનાક્ષી અને બાળકો સાથે રૂમમાં સૂવા માટે ગયો હતો. જ્યારે દશરથભાઈ અને લતાબહેન બેઠકરૂમમાં સૂઈ ગયા હતા.
બીજા દિવસે સવારે દશરથભાઈ ઉઠીને દૂધ લેવા માટે ગયા હતા અને તે પરત આવીને સીધા રૂમમાં જતા રહ્યા હતા. રૂમમકાં ગયા બાદ દશરથભાઈ ઉલ્ટી કરતા હતા જેથી લતાબહેને બૂમાબૂમ કરી દીધી હતી. લતાબહેનની બૂમ સાંભળીને જિજ્ઞેશ દોડી આવ્યો હતો અને તેણે દરવાજો ખોલી દશરથભાઈને બહાર કાઢયા હતા. દશરથભાઈએ એસિડ પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફરજ પરના ડૉક્ટર્સે ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દશરથભાઈના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી અહાવી હતી જેમાં તેમણે પુત્રવધૂના ત્રાસથી આપઘાત કર્યાે હોવાનું લખ્યું હતુ. નારોલ પોલીસે આ મામલે મીનાક્ષી વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.