અમરેલીમાં વાડીએથી પાછા ફરતા વીજળી પડતા પિતાનું મોત
અમરેલી, અમરેલીમાં વીજળી પડવાની ઘટના બનતા આધેડનું મોત થઈ ગયું છે, જાેકે, આ ઘટનામાં મૃતકની સાથે રહેલી તેમની ૧૦ વર્ષની બાળકીનો જીવ બચી ગયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાલાભાઈ વાઘેલા કે જેમનું મોત થયું છે તેમની પોસ્ટમોર્ટમ સહિતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
બાપ અને દીકરી ઘરથી થોડે દૂર હતા અને તેમની સાથે આ ઘટના બની હતી. ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓ વધી જતી હોય છે અને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. અમરેલીમાં બનેલી ઘટનામાં બાપ અને દીકરી વાડીએથી પરત ગામમાં આવ્યા અને ઘરે જતી વખતે પદરે ઉભા હતા. આ દરમિયાન અચાનક કડકા સાથે વીજળી તૂટી પડી અને તેમાં આધેડ બાલાભાઈ વાઘેલાનો જીવ જતો રહ્યો હતો.
આ ઘટનામાં તેમની સાથે રહેલી ૧૦ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટના સર્જાયા બાદ લોકોને જાણ થતા ભોગ બનનારને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો, જ્યારે પિતા બાલાભાઈ સાથે રહેલી બાળકીને પણ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મૃતકના ભાઈએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે, તેમના ભાઈ મજૂરી કામ માટે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. બાપ-દીકરી ઉભા હતા અને એવામાં માથે વીજળી પડી હતી. પરિવારે જણાવ્યું કે જે બાળકીનો જીવ બચી ગયો છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તેની સ્થિતિ હાલ સુધારા પર છે. આ ઘટના બુધવારે સાંજના સમયે બની હતી.SS1MS