Western Times News

Gujarati News

આંધ્રમાં સારા ભવિષ્યની ચિંતાએ પિતાએ બે દીકરાને મારી નાખ્યા

અમરાવતી, આંધ્રપ્રદેશમાં એક અત્યંત ચોંકાવનારી અને આંચકાજનક ઘટના બની છે. એક પિતાએ તેના બે નાના દીકરાને ફકત એટલા માટે મારી નાખ્યા કે તેમણે યુકેજી અને પહેલા ધોરણની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા નહોતા. પિતાએ તેમને માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે.

જોકે ઘટનામાં ખાસિયત એ છે કે પિતાએ શૈક્ષણિક કેરિયર ખરાબ હોવાનો હવાલો આપી તેઓ ભવિષ્યમાં હરીફાઇ નહિ કરી શકે તેની ચિંતાએ બન્નેની હત્યા કરી હતી. માત્ર છ અને સાત વર્ષના બન્ને બાળકને પરીક્ષામાં ખરાબ પ્રદર્શનની કિંમત જીવ આપીને ચુકવવી પડી છે.

અત્યંત અરેરાટી ઉપજાવે તેવી આ ઘટનાની વિગત એવી છે કે એક ઓઇલ કંપનીમાં કામ કરતા ૩૫ વર્ષીય પુરુષે હોલી પાર્ટીમાંથી આવ્યા બાદ બન્ને બાળકોને પાણીમાં ડુબાવીને મારી નાખ્યા હતા. એ પછી પંખાથી લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો.

પ્રાથમિક તપાસમાં પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં પિતાએ બાળકોના શૈક્ષણિક દેખાવ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે તેના દીકરા આગળ જતાં હરીફાઇનો સામનો નહિ કરી શકે.

પોલીસે જણાવ્યું છે કે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડેપલ્લીગુડેમનો રહેવાસી આ દંપતિ પોતાના દીકરાના અભ્યાસ અંગે શરૂઆતથી જ ચિંતા કરતું હતું. તેમણે તાજેતરમાં સ્કૂલ પણ બદલી હતી. તેમને આશા હતી કે નવા સ્કૂલમાં બાળકોનું શિક્ષણનું સ્તર સુધરી જશે.

પોલીસે વધુમાં ઉમેર્યું કે મૃતક પોતાની પત્ની અને બાળકોની સાથે ઓફિસમાં હોળીની પાર્ટીમાં સામેલ થવા માટે ગયો હતો. અહીં તેણે પોતાની પત્નીને કહ્યું કે તેઓ ઓફિસમાં જ રોકાઇ જાય અને તે બાળકોને યુનિફોર્મ અપાવીને પાછો આવે છે.

પત્નીને વિશ્વાસ અપાવીને તે બાળકોને લઇને ઘરે આવી ગયો હતો અને બન્ને બાળકોને દોરડાથી બાંધીને પાણીથી ભરેલી બે ડોલમાં માથું રહે તે રીતે ઉંધા લટકાવી દીધા હતા. આટલું કરીને તે રૂમમાં ગયો હતો અને પંખાથી લટકીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

પત્નીએ ખાસ્સા સમય સુધી રાહ જોઇ છતાં પતિ પાછો ન આવ્યો તો તે કેટલાક સહકર્મીઓ સાથે ઘરે આવી હતી અને તેને આ ઘટનાની ખબર પડી હતી. જોકે ત્યાં સુધીમાં ત્રણેયના જીવ જતા રહ્યા હતા. જોકે કોઇ પિતા પોતાના નાના બાળકોને માત્ર આ કારણસર મારી નાખે તે જાણીને લોકોમાં આશ્ચર્ય અને દુઃખની લાગણી જન્મી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.