અમદાવાદના વસ્ત્રાલ, મણિનગર, શાહીબાગ અને સરદારનગર વોર્ડમાં રોડ સેટલમેન્ટની દહેશત

પ્રતિકાત્મક
મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા કામમાં વિલંબ થયા હોવાથી ૧૭૮ સ્થળોએ ભયજનક પરિસ્થિતિ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાનું આગમન થઈ ચુકયું છે તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોડના ખોદકામ બંધ કરવામાં આવ્યા નથી તેમજ સડી ગયેલી પાઈપોના રિહેબ પણ થયા નથી.
સામાન્ય રીતે તંત્ર દ્વારા ૩૧મી મે સુધી તમામ પ્રકારના ખોદકામ બંધ કરી દેવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ જ છે. જેના કારણે શહેરના ૧૭૦ કરતા રોડ ભયજનક બની ગયા છે. ખાસ કરીને વસ્ત્રાલ, મણિનગર, શાહીબાગ અને સરદારનગરમાં મોટાપાયે ખોદાણ થયા હોવાથી બ્રેકડાઉન કે શેટલમેન્ટ થવાની સંભાવના વધી ગઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ૭ ઝોનને પાણીની નવી પાઈપ લાઈનો નાંખવા, ડ્રેનેજ લાઈન નાંખવા, લીકેજ રીપેરીંગ કરવા, તૂટી ગયેલી પાઈપો બદલવા માટે, સ્ટ્રોમ વોટર લાઈન બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ ખોદકામ ચોમાસા પહેલા પૂર્ણ થઈ જાય તે જરૂરી હોય છે પરંતુ ચાલુ વર્ષે હજી સુધી મોટાભાગના સ્થળે વેટમીક્ષ પણ નાંખવામાં આવ્યા નથી.
એક અંદાજ મુજબ તંત્ર દ્વારા ર૩ સ્થળે વેટમીક્ષ નાંખીને પુરાણ કરવામાં આવ્યા નથી. જયારે લગભગ ૧૦ સ્થળે વોટરીંગ કરવામાં આવ્યું નથી જેના કારણે એકાદ ઈંચ વરસાદ ખાબકે તો બ્રેક ડાઉન કે શેટલમેન્ટના કારણે મોટુ નુકશાન થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત લગભગ રર સ્થળે વેટમીક્ષ નાંખીને વોટરેબલ રોડ કરવામાં આવ્યા છે જેમાં પણ સેટલમેન્ટની શક્યતા રહે છે.
મ્યુનિ. ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં ઈન્સ્ટન્ટ લાઈનોનું કામ ચાલી રહયું છે જેના કારણે વસ્ત્રાલ વોર્ડમાં લગભગ ર૯ સ્થળે ખોદકામ કરવામાં આવ્યા છે. વસ્ત્રાલ વોર્ડમાં શાશ્વત વોરા પાસે, લાલગેબી સર્કલથી રાધે હિલ્સ તરફ, અમરનાથ રેસીડેન્સી પાસે, પાંજરાપોળ ક્રોસ રોડ, દેવભારતી રોડથી એએમસી કંપાઉન્ડ પાસે, વિશાલ રેસીડેન્સીથી અમરનાથ સુધી, માધવફાર્મથી કિન્સવિલા સુધી ડ્રેનેજ લાઈનો નાંખવામાં આવી છે
પરંતુ અહીંયા હજી સુધી જેસીબી કે ટ્રેકટરથી વેટમીક્ષ નાંખવામાં આવ્યા નથી. આ તમામ સ્થળે માત્ર થોડાઘણા અંશે પુરાણ જ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે શાહીબાગમાં પણ નાના મોટા રીપેરીંગ કે મશીન હોલ બનાવવા માટે ૮ સ્થળે ખોદકામ કરવામાં આવ્યા છે આ તમામ સ્થળે વેટમીક્ષ નાંખવાના બાકી છે.
મણિનગર વોર્ડમાં પણ ૮ સ્થળે રીપેરીંગના કામ અને એક જગ્યાએ ડ્રેનેજ પ્રોજેકટ અંતર્ગત ખોદાણ કરવામાં આવ્યું છે જેમાં પણ સ્થિતિ ભયજનક છે. મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કુલ ૧૭૮ સ્થળે ખોદકામ કરવામાં આવ્યા છે જે પૈકી રર સ્થળે ૧ એપ્રિલ બાદ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું જેના કારણે કામ પૂર્ણ થવામાં વિલંબ થયો છે.
તેથી આવા કુલ ૧૭૮ સ્થળોએ રોડ સેટલમેન્ટ કે બ્રેકડાઉન થવાની શક્યતા વધી ગઈ છે. ભારે વરસાદ દરમિયાન નાગરિકોને કોઈ મોટા નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા આવા સ્થળોએ ચોતરફ બેરીકેટ કરીને ભયસુચક બોર્ડ મુકવામાં આવશે.