ખાનગી સ્કૂલોની ફીની વિગતો માટે ડ્રાઈવ યોજવા ફી કમિટીનો આદેશ
અમદાવાદ, ખાનગી શાળાઓની ફીની વિગતોને લઈને ખાસ ડ્રાઈવ યોજવા માટે ફી કમિટી દ્વારા આદેશ કરાયો છે. શાળાઓ દ્વારા ફીની વિગતો નોટિસ બોર્ડ પર ગુજરાતી અને અંગ્રેજીમાં લગાવી છે કે કેમ અને સ્કૂલની સત્તાવાર વેબસાઈટ પર પણ તેની વિગતો દર્શાવવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.
સ્કૂલની ફીની વિગતો નોટિસ બોર્ડ પર લગાવવાનો નિયમ હોવા છતાં શાળાઓ તેનું પાલન કરતી ન હોવાનું જણાતા ફી કમિટી દ્વારા ડ્રાઈવ માટે આદેશ કર્યાે છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી બેફામ ફી પર લગામ કસવા માટે ફી નિયમન વિધેયક પસાર કર્યું હતું.
જેમાં ખાનગી શાળાઓની ફીનું ધોરણ નક્કી કર્યું હતું. પ્રાથમિક શાળાઓ માટે રૂપિયા ૧૫ હજાર, માધ્યમિક શાળાઓ માટે રૂપિયા ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે રૂપિયા ૩૦ હજાર ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું.
જે ખાનગી શાળાઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ફીના ધોરણ જેટલી અથવા તો તેના કરતા ઓછી ફી લેવા માગતી હોય તેવી શાળાઓએ ફી કમિટી સમક્ષ એફિડેવિટ કરવાની હોય છે. નક્કી કરેલા ધોરણ કરતા વધુ ફી લેવા માગતી શાળાઓએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે.
શાળાઓ દ્વારા એફિડેવિટ કે દરખાસ્ત કરવામાં આવ્યા બાદ ફી કમિટી દ્વારા તેની ચકાસણી કરી શાળાઓની ફી મંજૂર કરવામાં આવતી હોય છે. આ માટે ફી કમિટી દ્વારા ઓર્ડર ઈશ્યૂ કરાય છે અને તેના આધારે શાળાઓએ ફી લેવાની હોય છે.
આ ફીના ઓર્ડરની જાણ વાલીઓને થાય તે માટે શાળાઓએ નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાના હોય છે અને વેબસાઈટ પર પણ ફીની વિગતો દર્શાવવાની હોય છે. આમ, શાળાઓએ ફીની વિગતો લગાવવાની હોવા છતાં શાળાઓ દ્વારા નોટિસ બોર્ડ પર ફીની વિગતો લગાવવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા તાબાના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને ખાસ ડ્રાઈવ યોજવા માટે આદેશ કર્યાે છે.
જેમાં શાળાઓ દ્વારા ફીના ઓર્ડર નોટિસ બોર્ડ પર લગાવ્યા છે કે કેમ તેની ચકાસણી કરવા માટે જણાવાયું છે. ફી કમિટી દ્વારા કરવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, ગુજરાત સેલ્ફ-ફાઇનાન્સ્ડ સ્કૂલ્સ (ફી રેગ્યુલેશન) રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ૭ના પેટા નિયમ (૬)ની જોગવાઈઓને અનુસાર ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી દરેક સેલ્ફ-ફાઇનાન્સ્ડ સ્કૂલ દ્વારા નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહે છે. આ ઉપરાંત સત્તાવાર વેબસાઈટ પર પણ તેની વિગતો દર્શાવવાની હોય છે.
જેથી, જિલ્લા શિક્ષણાધિકારી- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધિકાર ક્ષેત્રના જિલ્લાની અંદર આવતી તમામ ખાનગી શાળાઓમાં એક વિશેષ ડ્રાઇવ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ખાનગી શાળાઓ દ્વારા તેમના નોટિસ બોર્ડ પર ફીની વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે.
આ ઉપરાંત ખાનગી શાળાઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવા માટે સૂચના અપાઈ છે. શાળાઓની વેબસાઈટ પર પણ ફીની વિગતો છે કે કેમ તેની ચકાસણી ખાસ ડ્રાઈવમાં કરવામાં આવશે.SS1MS